પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૮૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ગુલામીનો કાર્યક્રમ:૨૭૫
 


જવાબ આપ્યો. તેને એકાએક યાદ આવ્યું. સુબાહુ, કેતુ અને ઉલૂપી રોમની સામે યુદ્ધે ચડ્યાં જ છે. એમાંથી કોઈ તેની ભાળ શું નહિ કાઢે ? ત્રણેનો તે વિરોધી હતો એ ખરું, પરંતુ એ વિરોધ એવો ન હતો કે જેથી તેઓ ખોવાયેલા ઉત્તુંગને યાદ ન કરે.' સંભવિત છે કે યુદ્ધને અંતે ઉત્તુંગને છૂટો કરવાની પણ તેમની શરત હોય ! એ શરત હોય કે ન હોય ! રોમન પ્રજાના ઘમંડને ઉથલાવવા ખાતર પણ જીવવાની જરૂર હતી ! આ ગુલામી ? તેણે એ કહેવાતી સંસ્કારી પ્રજાની ગુલામી સંસ્થા વિષે ઘણું ઘણું સાંભળ્યું હતું, પરંતુ સંગીત, નૃત્ય, વ્યાપાર, રાજકૌશલ્ય, યુદ્ધ, એ સર્વમાં પ્રવીણ કહેવાતી પ્રજા ગુલામો પ્રત્યે પશુ કરતાં પણ ક્રૂર વર્તન રાખતી હશે એ તેણે ખરું માન્યું ન હતું. આર્યો અને નાગ લડતા હતા; યુદ્ધમાં સામા સૈન્યના સૈનિકોને કેદમાં પકડતા હતા; પરંતુ કેદીઓને પકડી એ ગુલામ બનાવતા નહિ. શરણે આવેલાને, હથિયાર રહિતને, ઘાયલ થયેલાને, સ્ત્રી બાળકને તથા વૃદ્ધને તેઓ કદી પકડતા નહિ, અને પકડતા તો તેમને સ્વજન તરીકે ગણી તેમની સારવાર કરતા. અલબત્ત, અરસપરસ પ્રેમ ઊભરાઈ જતો હતો એમ તો ન જ કહેવાય; અને કેટલાક જુલમના પ્રસંગો નહિ બન્યા હોય એમ કહેવાય નહિ. છતાં યુદ્ધમાં પકડાયલા અગર ગમે તે પ્રકારે બંધનમાં પડેલા પરજાતિ - પ્રજાના પુરુષોને એકસહ ગુલામીમાં જ ઘસડી જવાની પ્રથા તો આ મહાન રોમન પ્રજાનો જ ઇજારો લાગતો હતો ! એ બધું સહન કરીને પણ જીવવું તો ખરું જ, કારણ કે જીવ્યા વગર વેર લેવાની તક પણ મળે નહિ ! અને વેર એટલે ? અભિમાનીમાં અભિમાની રોમન સ્ત્રીને નાગપ્રદેશમાં ઘસડી જવી.! ક્ષમાની કૃતઘ્નતા કયા કયા વૈપ્રકારને ન ઉત્તેજે ? કેવી કેવી જાતના વેર કેવી રીતે લેવાં તેની કલ્પના કરતાં ઉત્તુંગની પાછળ તેનો રક્ષક આવી ઊભો હતો તેની ખબર પણ ઉત્તુંગને પડી નહિ. પાછળથી એક ધક્કો પડતાં તે જાગ્યો. તેના રક્ષકે તેને ઢીંચણ મારી જગાડ્યો. તેણે પાછળ જોયું. રક્ષક ક્રૂરતાભર્યું મુખ રાખી ઊભો હતો; તેની બાજુમાં એક બીજો માણસ એક થાળીમાં ન સમજાય - ન ઓળખાય એવો ખોરાક લેઈ ઊભો હતો. ગુલામની મજૂરી જોઈતી હોય તો ગુલામને જીવતો રાખવો જોઈએ ! ગુલામના મ૨વાથી ગુલામોની સંખ્યા ઘટતી નથી એ ખરું; પરંતુ ચાબુકે વશ કરેલા, કામકાજ સમજી ચૂકેલા જૂના ગુલામો નવા કરતાં વધારે સારું કામ આપે, એટલે તેમનો દેહ મજૂરી કરી શકે એટલે અંશે તો પોષવો જ