પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૯૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૮
ક્ષિતિજ
 

૨૭૮ : ક્ષિતિજ રહ્યા હતા. છતાં સમુદ્રના ખુલ્લા આકાશમાંથી પાસે પાસેના માણ દેખાય એટલું અજવાળું તો હવે આવતું થયું હતું. અંધકાર ગાઢ બન્યા પછી આંખની શક્તિ વધે છે. નજર મળતાં તે ગુલામે પણ ડોકું હલાવી તેની સામે ન જોવા ઇશારત કરી. બોલવાની શું સહુને મના હશે ? એ કેમ સહ્યું જાય ? આટઆટલા માનવીઓઃ બળેલા, ઝળેલા ! બોલવાને, રડવાને, કદાચ મરવાને પણ તલપી રહેલા ! એમની જીભ પણ બંધનમાં ? ‘ક્યાંનો રહીશ ?’ ઉત્તુંગે ધીમે રહી તેની ઇશારતને ગણકાર્યા વગર પૂછ્યું. ફરી ગુલામે ડોકું હલાવ્યું. ‘કહે કહે, કોણ છે તું ?' ગુલામે જરા સ્મિત કર્યું અને દૂર દૂર ફરતા રક્ષકના પડછાયા તરફ ઇશારો કર્યો. ઉત્તુંગનો જીવ રહ્યો નહિ. પાસે જ બેઠેલા માણસની પિછાન ન હોય એ તો અસહ્ય પ્રસંગ ! પરંતુ આખી ગુલામગીરી જ અસહ્ય હતી ને ! છતાં એ અસહ્ય પ્રસંગને હળવો બનાવવા કાંઈ વાત થાય તો કેવું ! માનવીનો દેહ ભલે બંધાયો, એના હાથપગ ભલે બેડીએ જકડ્યા; પરંતુ એકબીજાના હૃદયની એકતા સાધતું વાણીનું સાધન પણ બંધ કરવામાં આવે એના કરતાં સહુને પાણીમાં ડુબાવી ગૂંગળાવી મારી નાખવામાં આવે તો શું · ખોટું? પરંતુ ગુલામોને મારી નાખવામાં આવે તો માલિકોનાં સુખ માટે મજૂરી કોણ કરે ? માલિકોને પણ જીવનમાં એકાદ વખત ગુલામીનો અનુભવ કરાવવામાં આવે તો કદાચ ગુલામીની પ્રથા જ બંધ થઈ જાય. મહાદેવ શંકરે શું એ ધારણાથી તો ઉત્તુંગને આ ગુલામીમાં નહિ ઘસડ્યો હોય ? જગતમાંથી એ પ્રથા બંધ કરવાનો આદેશ આ વિપત્તિમાં સમાયલો ન હોય એમ કેમ કહેવાય ? પરંતુ અહીંથી છુટાય શી રીતે ? અને છૂટ્યા પછી આ પ્રથા બંધ થાય શી રીતે ? સુબાહુ રોમનો સામે મથે છે એ સાચું છે ! આવી ગુલામગીરી ઉપર રચાયલી સંસ્કૃતિ જિવાડવા સરખી તો નથી જ ! ઉપર ચાલતું સંગીત ઉત્તુંગને કર્કશ લાગ્યું. ઉપર ચાલતાં હાસ્ય અને વાતોમાં ઉત્તુંગને ક્રૂરતા લાગી. સાચું સંગીત તો આ પુરાયલા કચરાયલા ગુલામોના ગળામાંથી જ નીકળી શકે ! ગુલામો ન હસે ત્યાં સુધી જગતનાં બધાં જ હાસ્ય પોકળ