પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૯૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 


નિષ્ફળ સમાધાની
 


‘પાંચ દિવસ થયા ઉત્તુંગ જમતો નથી.' સુલક્ષે કહ્યું. ‘મને ડર છે કે એ નહિ જમે.’ ક્ષમાએ જવાબ આપ્યો. ‘પછી ? મરી જશે તો ?’ બીજો કોઈ હોત તો તેને દરિયામાં ફેંકી દેત. ઉત્તુંગ ઉપયોગી છે. હજી એ ધારે તો આખી નાગ જાતિને આપણી મિત્ર બનાવી શકે.' ‘પણ એણે તો મરવાની તૈયારી કરી લાગે છે.’ ‘એને સહજ છૂટો મૂકી જોઈએ.’ બેડી હલકી કરો; પરંતુ છૂટો તો ન જ મુકાય.’ ‘અને એને ઠીક ખોરાક આપીએ.' ‘પણ તે ગુલામો ભેગો રાખીએ તો ન બને.’ ‘એને મારી પાસે લાવો.’ ક્ષમાએ કહ્યું. સુલક્ષે એ આશાને નીચે પહોંચાડી. થોડી વારમાં બેડીનો ખણખણાટ સંભળાયો. નાની સીડી ઉપરથી ઉત્તુંગ આગળ પાછળ સૈનિકો સાથે ક્ષમાની ઓરડીમાં આવ્યો. ક્ષમાની ઓરડી રેશમી ગાલીચા, ચિત્રો, વાઘો અને સુખાસનોથી ભરપૂર હતી. વહાણમાં આવી ઓરડીઓ અને ઓરડાઓ સારા પ્રમાણમાં હતાં. ઉત્તુંગ વહાણની રચનાને સાધારણ જોઈ શક્યો. રોમનું નૌકાશિલ્પ આર્યોના નૌકાશિલ્પ કરતાં સહજ જુદું હોય જ. ‘તું કેમ જમતો નથી, ઉત્તુંગ ?’ ક્ષમાએ પૂછ્યું. એક સુખાસન ઉપર આડી પડી આસાનીથી બેઠેલી ક્ષમાના અત્યંત આકર્ષક લાવણ્યને ભેદતી ઉત્તુંગની આંખ ચકચક થઈ રહી હતી. વ્યગ્રતા, ઉજાગરો અને ભૂખ ઉત્તુંગના દેહને ઝાંખો બનાવી રહ્યાં હતાં. છતાં તેની આંખોનો ચમકાર વધી ગયો હતો એમ ક્ષમાને લાગ્યું. વેર, પ્રેમ, ઝનૂન અને દર્દ આવો અગ્નિ આંખમાં ઉપજાવી શકે. ‘હું શ્વાન બનીને જમવા માગતો નથી. એને પણ એથી વધારે ચોખ્ખું જમણ મળે છે.’ ઉત્તુંગે જવાબ આપ્યો.