પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૯૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નિષ્ફળ સમાધાની:૨૮૫
 


વિશ્વાસ સદંતર ઊઠી ગયો હતો. તેની કુમળાશમાં એને સપની સુંવાળાળ દેખાઈ. તેના રૂપમાં એને ચિતાના અગ્નિનું રંગબેરંગીપણું દેખાયું. દરિયાની માલિકી આપવાની કૃપા બતાવતી મોહિની કયી નવી જાળ પાથરે છે તે સમજવા તેના હૃદયે સાવચેતી ધારણ કરી. ‘તારે ! પણ તને ક્યાં કશી ખબર છે કે જે હું કરું છું તે તારા કલ્યાણ માટે કરું છું ?’ ક્ષમાએ જરા ખોટું લગાડવાનો દેખાવ કરી કહ્યું. ‘આ બેડી મારું કલ્યાણ સાધે છે એની મને ખબર નથી.' ‘બેડીથી બીઈ ગયો ? અરે સુલક્ષ ! તું અને આ રખવાળો જરા બહાર બેસો; મારે ઉત્તુંગ સાથે થોડું એકાંત જોઈએ.' ક્ષમાએ આજ્ઞા આપી. સુલક્ષ અને રખવાળો ચાલ્યા ગયા. ક્ષમા અને ઉત્તુંગ બંને ઓરડીમાં એકલાં જ હતાં. ક્ષમાએ મુખ ઉપર ખૂબ મૃદુતા ધારણ કરી. ઉત્તુંગ બેડીનો ભાર માપી રહ્યો. એ બેડી સાથે હાથ કે પગ ઝડપથી ઊંચકાય એમ હતું જ નહિ. માત્ર હલેસાં ચલાવાય એવી જ છૂટ હાથને મળી હતી. રક્ષકે બીજા દિવસના પ્રભાતમાં જ ઉત્તુંગને હલેસાં ચલાવવા આજ્ઞા આપી દીધી હતી, અને કોરડા અસહ્ય બનતાં તે હલેસું ફેરવી ગુલામોના સામાન્ય કાર્યમાં સામેલ થઈ ચૂક્યો હતો. ‘તારી ઇચ્છા મને નાગલોકમાં લઈ જવાની હતી, ખરું ને ?’ ક્ષમાએ પૂછ્યું. ‘હવે મારી ઇચ્છા પૂછવાનું કારણ શું ?' ‘મારી ઇચ્છા તારે સમજવી છે ?’ ‘ના.’ ‘ન સમજવી હોય તોપણ તારે સાંભળવી પડશે.’ ‘શા માટે ?’ ‘તું હજી મૂર્ખ અને મૂર્ખ જ રહ્યો માટે. તને કેમ સમજ પડતી નથી ?’ ‘મને હવે કશી પણ સમજ ન પડે એ જ વધારે સારું છે. હું મૂર્ખ રહેવા માગું છું.’ ઉત્તુંગે કહ્યું. ‘પણ મારે તને મૂર્ખ રાખવો નથી તો ! નાગલોકમાં મને લઈ જઈ તું શું કરત ? મારો અને તારો તેજોવધ કરત; બીજું શું ?' ‘શા માટે ?’ ‘ઉલૂપી અને સુબાહુ આખી નાગપ્રજાને આર્ય બનાવત. તું મહાનાગ અને હું મહારોમન. બંને એ આર્યતાના પાતાળી કૂવામાં ડૂબી જાત. તું એક નાનકડા જંગલનો સેનાપતિ રહેત, હું તારી પત્ની બની ઉલૂપીને નજરાણો