પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૦૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 


અગ્નિશિખા
 


ઉત્તુંગ પોતાને સ્થાને બેસી ગયો. ક્ષમાનું ન સમજાતું વર્તન તેને હજી પણ પૂરું સમજાયું નહિ. પોતાની સાથે જીવન ાળવાની તત્પરતા બતાવતી ક્ષમા ઉત્તુંગને પાછો દાસના ટોળા ભેગો ધકેલી શકે ? રોમન સામ્રાજ્યને વરેલી ક્ષમા સામ્રાજ્યના આત્માસરખી, અર્કસરખી હતી : બહુ જ રૂપાળી, બલવાન, ગર્વિષ્ઠ, ગર્વ સંતોષવા માટે પાપ અને પુણ્યને ઘોળી પી ગયેલી, દેહને સામ્રાજ્યવેદીમાં હોમી શકે એવી, દેહસુખથી અલિપ્ત તપસ્વી સરખી - અને છતાં દેહને - રૂપને વેચતાં જરાય ન ખમચાય એવી દૃઢતાવાળી ! એને ગણિકા કહેવાય કે યોગિની ? તાંત્રિકોના વામાચાર તેમને પંચમકારમાંથી મુક્તિનો માર્ગ બતાવે છે એમ મનાય છે. એ ખરું હશે ? સામ્રાજ્યવૃદ્ધ પણ એક વામમાર્ગ જ કહેવાય, નહિ ? ભોગ દ્વારા મુક્તિ શોધતા સઘળા માર્ગ વામમાર્ગ બની જતા જ હશે, નહિ ? કોની મુક્તિ ? રોમનોની ! જગતસમસ્તના અરોમન માનવીઓનો બિલ આપી રોમનોમાં ભૌતિક મુક્તિનો મોહ ઊભો કરતી એ સામ્રાજ્યભાવનાનું મૂર્ત સ્વરૂપ તે ક્ષમા ! ‘હું.’ ઉત્તુંગ સહજ હસ્યો. એ મૂર્તિનું ખંડન એ જ અરોમનો માટેનો સાચો માર્ગ બની શકે એમ એને લાગ્યું. અને મૂર્તિખંડનની કલ્પનાએ તેને હાસ્ય પ્રેર્યું. રક્ષકે ઉત્તુંગનું હસ્ય સાંભળ્યું. આસપાસના તેના સાથીદારોએ પણ તે સાંભળ્યું. સહુની નજર ઉત્તુંગ તરફ વળી. સહુને લાગ્યું કે ઉત્તુંગનો વાંસો સખ્ત ફટકાનો અધિકારી બની ગયો હતો, અને રક્ષકની વિકરાળ આંખો નિહાળી ઉત્તુંગે પણ એમ જ વિચાર્યું. પરંતુ રક્ષકે ચાબુકને ઊંચકી નહિ અને ઉત્તુંગ તરફ આવવાને બદલે તે બીજી પાસ ચાલ્યો ગયો. ત્યાં જઈ તેણે એક બેગુનાહ ગુલામને વગર વાંકે ચાબુકના બે ટકા લગાવ્યા. ‘શા માટે બીજાને મારે છે ?’ ઉત્તુંગ ધીમેથી પણ દૃઢતાથી બોલ્યો. ‘તું છાનો રહે તો બધા બચી જાય. અત્યંત ધીમેથી તેની પાસે બેઠેલા એક ગુલામે કહ્યું. ‘શા માટે હું છાનો રહું ? અરે ! ગુલામી તો મૃત્યુ પછી પણ બોલી