પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૦૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અગ્નિશિખા:૨૯૫
 

‘ત્રીજે દિવસે ?’ ‘ચાલ, જા અહીંથી. મારી સાથે લાંબી વાત ન કર.' ઉત્તુંગે કહ્યું. ત્રણ દિવસમાં શું થશે તેની ઉત્તુંગને જ ખબર ન હતી. ભય પમાડવા તેણે મુદત પણ નાખી. લાંબી વાત કરવાની મનાઈ સહુ નોકરો માટે હોય છે. રક્ષક પણ નોકર હતો. ગુલામીની બેડી દૂર થાય એટલું નિમકહલાલપણું એણે સાબિત કરી આપ્યું હતું, એટલે એને રક્ષકનું સ્થાન કેટલાક સમયથી મળ્યું હતું. ગુલામો સાથે એનાથી પણ લાંબી વાત થાય એમ ન હતું. તે ખસી ગયો. આજે ઉત્તુંગ માટે સારું જમણ આવ્યું. ઉત્તુંગે તેને પણ લાત મારી ખસેડી દીધું. સારા ખોરાકના વેરાયલા ટુકડા તરફ ગુલામોની નજર ગઈ. લોલુપ દૃષ્ટિવાળા પાસેના ગુલામે વળી પાછા એકબે ટુકડા સંતાડી પણ દીધા. ઉત્તુંગનો ગુસ્સો ભયમાં ફેરવાઈ ગયો. એ પોતે પણ એ ગુલામના સરખો પામર બની નહિ જાય એની શી ખાતરી ? પામરતા તેને સદાય ભયભીત બનાવતી. અગ્નિશિખા : ૨૯૫ ‘તું કોણ છે ?’ થોડી વારે ઉત્તુંગે તેને પૂછ્યું. સંતાડેલા ટુકડા બહુ સ્વાદથી એ ગુલામ ખાઈ રહ્યો હતો. ‘હું ? જોતો નથી હું કોણ છું તે ?’ ‘તું કોણ હતો ?’ ઉત્તુંગે ગુલામના ઉત્તરમાં રહેલા મર્મને સમજી પ્રશ્ન ફેરવી પૂછ્યું. ‘જાણીને શું કરીશ ?’ ‘આશ્વાસન મેળવીશ.' ‘હું ‘વેન્ડલ યુવરાજ હતો.' ‘તારા પિતા તને કેમ છોડાવતા નથી ?' ‘મારા પિતાને ઐસિંહે ફાડી ખાધા.' ‘આ તારાં હલેસાં છૂટે એમ નથી ?' ‘ના.’ ‘જીવનભર એ ચલાવ્યા જ કરશે ?' ૧ રોમની યુરોપીય સરહદ ઉપર આવેલી પ્રજા. જેને રોમનો જંગલી ગણતા. એ પ્રજાએ રોમને પછીથી ઉથલાવી પાડ્યું હતું. ૨ યુદ્ધમાં પકડાયેલા મજબૂત ગુલામોને સિંહ સામે લડાવવાની રમત રોમમાં બહુ લોકપ્રિય હતી.