પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૧૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અગ્નિશિખા:૨૯૭
 


એના હાથમાં નવું હલેસું પકડાવી દીધું. રાત્રી પડતી હતી અને ઉપરના માળમાં ગાનતાન શરૂ થઈ ગયું હતું. ગુલામોને ફટકા મારવા એ સામાન્ય ક્રમ હતો. હલેસાં મારનારમાંથી કોઈ અસહિષ્ણુ કે આળસુ બને તેને સખ્ત શિક્ષા કરવી એ સહજ હતું. એવાં ધાંધલ સતત ચાલ્યા કરતાં, અને રક્ષક એ ધાંધલોને પહોંચી વળે એવો હતો એની સહુને ખાતરી હતી. એવાં ધાંધલ ઉપરના માળ સુધી સંભળાતાં પણ નહિ, અને સંભળાય તો તેની દરકાર રાખવાની જરૂર પણ ન હતી. ‘મારી સાથે રહેવા કોણ તૈયાર છે ?' ઉત્તુંગે પૂછ્યું. પ્રથમ કોઈએ જવાબ ન દીધો. અશક્ત બનેલા રક્ષકથી ન રહેવાયું અને તેણે એક મોટી બૂમ પાડી સહુને વારવા પ્રયત્ન કર્યો. ખલાસીઓ અને ગુલામોના બળવાની ભીષણ યાતનાઓ તેણે જોઈ અને અનુભવી હતી. એમાંથી વહાણના માલિકો ઊગરી જાય એટલું કરવાની વફાદારી તેનામાં હજી જીવંત હતી, પરંતુ તેની ચીસ અધવચ અટકી ગઈ. ઉત્તુંગે હલેસાના દંડનો પ્રહાર રક્ષકને કર્યો અને રક્ષક ઢળી પડ્યો. તેના મસ્તક અને મુખમાંથી લોહી વહી રહ્યું. પહેલા રક્ષકને ઉત્તુંગે પગ વડે ધક્કો માર્યો. રક્ષકનો પ્રાણ ઊડી ગયો. ગુલામો પ્રથમ તો સ્તબ્ધ બની ગયા. રક્ષકનો પ્રાણ હરનાર ગુલામ રિબાઈને મ૨શે એમ તેમની ખાતરી જ હતી. એની સાથે ઊભા રહેવામાં સહુની પણ એ દશા થવાનો સંપૂર્ણ સંભવ હતો. લાંબા સમયથી ગુલામી ભોગવતા માનવીઓને મુક્ત બનેલા એક ગુલામની મુક્તિ ભય પમાડી રહી. એ મુક્તિ મોતને અડી રહેલી જણાતી હતી ! પાંચ પાંચ દિવસના ભૂખ્યા ઉત્તુંગમાં ક્રૂરતા ઊભરાઈ રહી. તે બોલી ઊઠ્યો : મરવાની બીક લાગે છે ?’ પ્રથમ કોઈ બોલ્યું નહિ. ઉત્તુંગે ચારે પાસ દૃષ્ટિ કરી. તેની દૃષ્ટિમાં પ્રલયનો અગ્નિ ઊછળી રહ્યો હતો. ઝાંખા દીપક તેના મુખને રાક્ષસી રેખાઓથી ભરી દેતા હતા. જરા રહી એક ગુલામે કહ્યું : ‘મરવાની બીક નથી; રિબાઈ મરવાની બીક છે.' ‘તો હું તમને સહુને એક એક ફટકે પૂરા કરું. તમે બસો માણસો છો. બસો ફટકા મારવા જેટલી તાકાત મારામાં હજી છે.’ કહી ઉત્તુંગ દંડ સહ ઊછળ્યો. યમને પ્રત્યક્ષ નિહાળતાં વીરત્વ થીજી જાય છે અને નિરાશ જીવન પણ યમને પાછો કાઢવા ઇચ્છે છે.