પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૧૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૮:ક્ષિતિજ
 


‘હું તૈયાર છું. હું તૈયાર છું. હું તૈયાર છું.' એમ ચારે પાર્થ જીવનતૃષ્ણા બોલી ઊઠી. ‘વિચારીને હા કહો. મરવાનું ચોક્કસ છે : પ્રશ્ન એક જ છે, મારી સાથે મરવું છે કે મારે હાથે મરવું છે ?' ઉત્તુંગે ઉગામેલો ફટકો વારી લઇ કહ્યું. ‘સમજ ન પડી.’ એક વૃદ્ધ ગુલામે હિંમત કરી પૂછ્યું. ‘મારી સાથે મરવું હોય તો રોમનો મા૨શે. મારે હાથે મરવું હોય તો હું મારીશ.' ‘એમાં પસંદ શું કરવું ?' ‘ગુલામ બનાવનારની સાથે રહી મરવું કે મુક્તિ અપાવનારની સાથે રહી મરવું એ પસંદ કરો.’ ‘પણ તું અમને બધાને મારીને શું કરીશ ?' ‘મારીશ એટલા ગુલામો જગતમાંથી ઓછા થશે.' ‘પણ પછી આ વહાણ કોણ ચલાવશે ?’ ‘ગુલામોને મરણ પછી પણ માલિકો બાંધી રાખે છે. મૂર્ખ ! એટલું પણ સમજતો નથી ? મારા સાથમાં તમે નહિ હો તો તમને બધાને મરણ- શરણે મોકલીશ અને આ વહાણને પાંગળું બનાવી દઈશ.' ઉત્તુંગે ક્રૂરતાથી હસીને કહ્યું. ‘અમે તારા સાથમાં છીએ.' સહુ બોલી ઊઠ્યા. બન્ને રીતે મૃત્યુનું સામીપ્ય દેખી રહેલા ગુલામોમાં એક પ્રકારનું સ્વમાન જાગૃત થયું, ઉત્તુંગના સાથમાં કેટલાયને બચવાનો સંભવ હતો - ઉત્તુંગ જો વહાણને કબજે કરે તો. ઉત્તુંગથી સામે થવામાં મૃત્યુ વજ્રલેપ હતું. એના દેહમાં યમનો પ્રવેશ થયો હતો. બસોયે બાંધેલા ગુલામોને એકએક ફટકે એ પૂરા કરી નાખે એ અશક્ય ન હતું. ઉત્તુંગના મુખ ઉપર ભયંકર દૃઢતા જડાઈ ગઈ હતી. અને ગુલામીમાંથી મળનારી મુક્તિએ પણ બંદીવાનોના હૃદયમાં ઉત્સાહ પ્રેર્યો. તો હું એકેએક સહુને છૂટા કરું છું.’ કૂંચી વડે ઉત્તુંગે ગુલામોને છૂટા કરવા માંડ્યા. છોડતાં છોડતાં તેણે છૂટેલા ગુલામોને આજ્ઞા આપી : ‘તમે ત્રણ જણ સુકાનીની કતલ કરો અને સુકાનનો કબજો લો.... તમે ચાર જણ શસ્ત્રાગાર ઉપર નજર રાખો... ચાર જણ સીડી સાચવો... પચીસ માણસો ઉપરના ભાગમાં ફરતા રહી સાવચેતી રાખો... વહાણને હલેસાં મારવાનું બીજાએ ચાલુ રાખવું...' આમ આખું વહાણ કબજે કરી લેવાની ઉત્તુંગે યોજના કરી દીધી.