પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૧૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અગ્નિશિખા:૨૯૯
 


વહાણમાં ગુલામો કરતાં રોમનોની સંખ્યા ઓછી હતી. એ રોમનોમાં કેટલીક સ્ત્રીઓ પણ હતી, અને એ સ્ત્રીઓ ગીતવાદ્ય વગાડી નું મનરંજન કરતી હતી : સ્વાદિષ્ટ જમણ, રંગરાગ અને વિજયની આગામાં મસ્ત બનેલા રોમન સૈનિકોને ભયનો ખ્યાલ ન હતો. અને તેમાંયે વહાણ માંથી જ ભયનો ઉદ્ભવ થશે એમ કોઈએ સ્વપ્નમાં પણ ધાર્યું ન હતું. ઉત્તુંગે છૂટા કરેલા ગુલામોનાં હૃદય મુક્તિહીંચોળે ઝૂલવા લાગ્યાં. પરંતુ ઉત્તુંગે સખ્ત આજ્ઞા કરી હતી કે કોઈએ હળવા ઉદ્ગારને પણ વ્યક્ત કરવો નહિ. બંધન મુક્તિ એ અકથ્ય અનુભવ છે. ધીમા શબ્દોમાં તે વ્યક્ત ન થાય. એ અનુભવ બૂમમાં, પોકારમાં ફાળમાં, અટ્ટહાસ્યમાં જ વ્યક્ત થાય. એ લાગણી મર્યાદાને તોડવા તલપી રહે છે, સર્વ બંધનોને તોડવા તે ઝઝૂમે છે, અને તેની મુક્તિની આડે આવનાર જડચૈતન્યને બાળી પ્રજાળી ભસ્મ કરવાનું ઝનૂન તે જગાડે છે. ઉત્તુંગ એ સઘળું જોઈ શક્યો. તેના હૃદયમાં પણ એવી જ લાગણી ઊછળી રહી હતી. પરંતુ તેથીયે ઊંડે ઊંડે કોઈ અગ્નિ તેના હૃદયમાં ધીકી રહ્યો હતો. એ અગ્નિ તેની તાત્કાલીન લાગણીને બાળી રહ્યો હતો. બૂમ પાડી, પોકાર કરી, રોમનોને પટકી પછાડી તેમના રુધિર રેડી સંતુષ્ટ થનારી ઊર્મિ જરૂર ઉછાળે ચઢી હતી : પરંતુ એ ઊર્મિ કરતાંયે એક વધારે પ્રબળ પ્રચંડ ઊર્મિ તેને તાત્કાલીન સંતોષ આપતું કાર્ય કરતાં અટકાવી રહી હતી. તેણે સહુને કહ્યું : ‘શાન્તિ રાખો. બૂમ પાડવાની તમને તક મળશે; મોજ કરતા રોમનોની મીઠાઈ ખૂંચવી લેવાની ક્ષણ પાસે આવે છે. તમારી બેડી તેમને પહેરાવવાની મોજ આજે જ તમને મળશે. પરંતુ એક ઘડી શાન્તિ રાખો. તેણે મોકલેલા ગુલામો ચોર પગલે આજ્ઞા આપવા વહાણમાં અદૃશ્ય થઈ ગયા. સુકાન બાજુએથી એક ઝીણી ચીસ સંભળાઈ, પરંતુ ઉપર ચાલતાં સંગીત અને હાસ્યમાં એ ચીસ ડૂબી ગઈ. ‘ચાલો, સુકાન હાથમાં આવ્યું.' એક મુક્ત ગુલામ બોલી ઊઠ્યો. ‘શસ્ત્રરક્ષકો સૂઈ ગયા છે.' એક જણે આવી જાહેરાત કરી. ‘ઠીક. એમને બેઠા થવા દેશો જ નહિ.’ ઉત્તુંગે આજ્ઞા આપી. થોડી વારે બીજા ગુલામે આવી કહ્યું : સીઢી આપણે હાથ છે.' ‘ઠીક, હથિયાર ડે એ ઝાલી બેસજો' ઉત્તુંગે કહ્યું. ઉત્તુંગની સરદારી સહુએ સ્વીકારી લીધી હતી. ‘અમે બધા વહાણને નાકે નાકે બેસી ગયા છીએ.' બીજા ગુલામે