પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૨૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૬:ક્ષિતિજ
 


ગુલામોએ સામી ચીસ નાખી અને સીડી ઉપર ચડવા મથન કર્યું. ઉત્તુંગે બેત્રણ ગુલામોને પટકી ઉપર ચડતા અટકાવ્યા; છતાં 'સુલક્ષને જ મારો ! કાપો ! એની ચામડી ઊતરડો ! વહાણે લટકાવો ! સઢને વધેરો ! એવા ઉદ્દગાર સંભળાયે જ ગયા. ક્ષમાએ સુલક્ષને બાજુએ કર્યો અને કહ્યું : ‘સુલક્ષને સાંભળશો નહિ. બોલો ! તમારે શું દુઃખ છે ? એ હું દૂર કરીશ.' ‘અમારાં દુઃખ ? એ જોવાની આંખ શું નથી ? એક ગુલામે હાથ લાંબો કરી કહ્યું. ‘આંખ છે અને હું જોઉ છું. અને માટે જ મારા ભેગા રહેતા સર્વ ગુલામોને હું મુક્તિ આપતી જ આવેલી છે. તમને શું ખબર નથી ?’ ક્ષમાએ કહ્યું. ક્ષમાએ એક વખત દાસસમૂહને મુક્ત કર્યો હતો એ વાત આખા રોમન સામ્રાજ્યમાં ફેલાઈ હતી. આ રીતે ગુલામોમાં પણ પ્રિય બનવાનો ક્ષમાનો પ્રયત્ન જાણીતો હતો જ. માત્ર એ પ્રયત્ન આવાં ભાવિ તોફાનો અટકાવવાની યુક્તિરૂપ જ હતો એ વાત ક્ષમા અને તેના સાથી જ જાણતા હતા. અને તેના વિરોધીઓ તો એમ પણ કહેતા કે ગુલામોને મુક્ત કર્યા વગર જ યશ મેળવવાનો આ ક્ષમાનો પ્રચાર માત્ર હતો. છતાં ક્ષમા વિરુદ્ધ વિરોધીઓ પણ ઊંચો સૂર કાઢી શકતા નહિ. ‘પણ તેમાં અમારે શું ? અમે તો હજી બંધનમાં જ છીએ ને ?' બીજા ગુલામે કહ્યું. ‘તૂટેલાં બંધન હું ફરી બાંધતી જ નથી. તમે આ ક્ષણથી જ મુક્ત છો.’ ક્ષમાએ કહ્યું. ગુલામોએ હર્ષનો પોકાર કર્યો. તેમનાં બંધન એક રોમ શાસનધારી સેનાપતિના હુકમે છૂટે છે એ ખ્યાલે ક્ષમા તરફ સદ્ભાવની લાગણી પ્રસરવા લાગી. ઉત્તુંગે ક્ષમાની આ યુક્તિ તત્કાળ પરખી. છૂટા થયેલા ગુલામો ક્ષમા તરફ વળે તો ઉત્તુંગને માટે બંધન અને મૃત્યુ અવશ્ય હતાં જ એમ તે જોઈ શક્યો. રોમના શાસનધારીઓનાં વચનમાં કદી વિશ્વાસ ન રખાય એની તેને ખાતરી થઈ ગઈ હતી. સમજ વગરના બની ગયેલા ગુલામોને મુક્તિના ભ્રમમાં નાખી રોમન સરહદ સુધી વહાણને ખેંચાઈ જઈ ફરી એ ગુલામોને બંધનમાં ન જ નાખે એવી ખાતરીભરી નીતિ રોમનોની રહી ન હતી. ક્ષમાની યુક્તિમાં આ લોકો આમ પાછા ફસાઈ ન પડે એ ઉદ્દેશથી પણ ઉત્તુંગે વાતચીત ટૂંકાવવાનો નિશ્ચય કર્યો. ‘આ ક્ષણથી નહિ, એક ઘટિકા થયાં અમે સહુ મુક્ત બન્યા છીએ. મુક્તિ માટે તારી કે તારા કોઈ રોમન સમ્રાટની આજ્ઞા અમારે હવે જોઈતી