પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૨૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ગુલામીને છેડે:૩૦૯
 


‘કોણ જાણે ! પણ હું સાંકળે બંધાયેલો ગુલામ આ ક્ષણે રોમનોથી ભરેલા વહાણનો માલિક બની શકું છું.' ‘અને આ તારી પાછળ ઊભેલા બેવકૂફોને એનો ખ્યાલ પણ નથી ! તારી માલિકી એમને પાછા ગુલામો બનાવશે એની એમને ક્યાં ખબર છે?’ ક્ષમાએ કહ્યું. ‘આ બધા કૃતઘ્નીઓની ઓથે તું મારી સામે થાય છે, નહિ ?' સુલક્ષે કહ્યું. ક્ષમા અને સુલક્ષની મુત્સદ્દીગીરી ઉત્તુંગ સમજી ગયો. હજી ગુલામોની વફાદારી પાછી મેળવવાના તેમના પ્રયાસોમાં તેમને વિશ્વાસ હતો. ઉત્તુંગ હસ્યો. તેનું હાસ્ય પણ ભયંકર બની ગયું. દીવાના કાકડાનું તેજ સર્વ માનવીઓને ભૂતિપશાચ સરખાં ભયંકર બનાવી રહ્યું હતું જ. ‘હવે આ મુક્ત પુરુષો તમારી વાણીથી ભોળવાય એમ ન માનશો. વહાણ એમને જ કબજે છે. પણ તને એમનો ભય લાગતો હોય તો હું તારી ખાતરી કરી આપું કે આ સ્થળે આપણા બે જણ સિવાય કોઈ જ હથિયાર નહિ વાપરે.’ ઉત્તુંગે આજ્ઞા કરી કે સુલક્ષ અને ઉત્તુંગના યુદ્ધમાં કોઈએ પણ વચ્ચે પડવું નહિ. ‘અને વધારામાં એટલું કે હું વગર શસ્ત્ર તારી સામે લડીશ. ચાલ, ભર પેંતરો !’ ઉત્તુંગે કહ્યું અને સુલક્ષના ગાલ ઉપર એક જોસભર્યો તમાચો ખેંચી કાઢી, સુલક્ષને તત્કાળ ઉશ્કેરણીનું કારણ પણ આપ્યું. સુલક્ષ પણ યોદ્ધો હતો. તેણે કૈંક યુદ્ધો ખેડ્યાં હતાં. યોદ્ધાઓ યુદ્ધથી પરવારતાં પૂર્ણ મોજ માણે છે, અને કેટલાક એ મોજમાંથી પછી ખસી શકતા નથી. સુલક્ષ મોજની ભૂમિકામાં ઊતર્યો હતો. છતાં યોદ્ધાને અંગત અપમાન પાછો વીર બનાવી શકે છે. તેણે સંગીનનો એક ચપળતાભર્યો ઘા કર્યો અને સહુને એક ક્ષણ માટે એમ પણ લાગ્યું કે ઉત્તુંગની છાતી ભેદાઈ ગઈ. પરંતુ ઉત્તુંગ રોમન દાવથી અજાણ ન હતો. આર્યાવર્તમાં રોમનોના અવરજવર પછી રોમનોની શસ્ત્રકળા પણ સર્વપ્રિય થઈ પડી હતી. ધીમે ધીમે રોમન દાવની નવીનતા અને ભયંકરતા આર્યોને માટે હળવી બની ગઈ હતી. ઉત્તુંગે ચપળતાથી એ ઘાને નિષ્ફળ બનાવ્યો. તેનું કદાવર શરીર કેટલી ચપળતા ધારણ કરી શકતું હતું તેનો ખ્યાલ સુલક્ષને આવ્યો; સાથે તેના ભવ્ય દેહનો તેને ભય પણ લાગ્યો. ઘા ચુકાવતો ઉત્તુંગ તેને વહાણ ડુબાવતા પ્રલયમો સરખો - વીજળીનો વેગ ધારણ કરી રહેલા વિસૂરીઅસ પહાડ સરખો દેખાયો. એક ક્ષણમાં તો તેનું સંગીન ઊડી ક્ષિ. ૨૦