પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૨૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ગુલામીને છેડે:૩૧૩
 


બહાર અંધકારમાં તારા ચમકી રહ્યા હતા. પાણીનાં મોજાં પણ અંધકાર વધારી રહ્યાં હતાં. એકાએક તે બારીના કઠેરા ઉપર ચઢી અને તેણે કૂદકો માર્યો ! બહા૨ સમુદ્રમાં પડવાને બદલે તે અંદર પાછી કેમ ખેંચાઈ ? ઉત્તુંગનું ભયાનક હાસ્ય તેણે સાંભળ્યું. ‘તારા મનમાં એમ હશે કે હવે હું તને જવા દઈશ ! મૂર્ખ...’ ઉત્તુંગના શબ્દો ક્ષમાના કાનમાં રમી રહ્યા. ‘એનો અર્થ એટલો કે તું હજી મને ચાહે છે.' ક્ષમાએ કહ્યું. ‘ચાહું છું ? મને તારા પ્રત્યે તિરસ્કાર છે !’ ઉત્તુંગે કહ્યું. ‘હું ન માનું. તિરસ્કાર હોય તો તું મને આજે અહીં ન લાવે, અને... મને સમુદ્રમાં પડતી ન અટકાવે.’ ‘હું તારું ભયંકરમાં ભયંકર અપમાન કરવા તને અહીં લાવ્યો છું.' ‘મારું અપમાન ?’ ‘હા, તારું. તારા અપમાન સાથે તારી સમસ્ત રોમન પ્રજાનું અને રોમન પ્રજા સાથે જગતના સમસ્ત જુલમગારોનું !' ‘મારા અપમાનમાં રોમનું અપમાન કેવું ? રોમના અપમાનમાં જુલમગારોનું અપમાન કેવું ? હું અહીં અપમાનિત થઈશ કે મૃત્યુ પામીશ તેથી રોમન પ્રજાને ઊની આંચ પણ આવવાની નથી...’ ‘રોમન પ્રજાની એક ખાતરી થશે કે ગુલામો કોઈ કોઈ વાર છુટા થઈ શકે છે, અને છુટ્ટા થાય છે ત્યારે આખી રોમન સંસ્કૃતિને ભ્રષ્ટ કરી શકે છે છિન્નભિન્ન કરી શકે છે.’ ‘તું જાતે જ જુલમગાર નથી બનતો ?’ ‘હું જુલમગારનો પણ જુલમગાર બનવા માગું છું. જગતને સંદેશો પહોંચાડવાને આ સમુદ્ર વચ્ચે મારી પાસે અવાજ નથી. નહિ તો હું બૂમ મારી સહુને કહેત કે ગુલામોની પ્રથા ત્રીજી પેઢીએ જુલમગારોની આખી જાતમાં સાંકર્ય ઉમેરે છે.’ ‘એટલે ?’ ‘એટલે એમ કે ત્રીજી પેઢીએ જુલમગારોની જાતનાં અનેક સ્ત્રી- પુરુષોમાં ગુલામોનું જ લોહી વહે છે. સાંભળ. વહાણ પરની ચીસો ઓછી થઈ ગઈ. જીવતી સ્ત્રીઓએ પોતાના દેહ ગુલામોને અર્પી દીધા ! હું પણ એ જ માગું છું.’ ‘તું સ્નાન કરી લે. પછી મારી પાસે આવ.'