પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૨૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૪:ક્ષિતિજ
 


‘ગુલામો તિરસ્કારથી ટેવાયેલા હોય છે. મારો દેહ ગુસ્સા ઉત્પન્ન કરે છે, નહિ ? ગુલામોના દેહને મેલા રાખતી ઓ સંસ્કારી રાક્ષસી ! તને જ દેહ ઘટે છે !' ઉત્તુંગે દાંત પીસ્યા. અને સામે ઊભેલી ક્ષમાને પોતાના બંને હાથની અસહ્ય ચૂડ ભેરવી. ‘છોડ, ઉત્તુંગ ! સ્ત્રી ઉપરના બળાત્કારે રોમન શહેનશાહોને નાબૂદ કરી નાખ્યા !' ક્ષમાનો અવાજ સંભળાયો. ‘ગુલામો ઉપરના બળાત્કારે તમારી રોમન શહેનશાહત ફરી નાબૂદ થશે. બળાત્કાર સહુ ઉપર સરખો. એમાં સ્ત્રી-પુરુષના ભેદ નથી.’ ઉત્તુંગે ક્ષમાને વધારે દાબી સુખાસન ઉપર જબરાઈથી બેસાડી દઈ કહ્યું, અને તરફડી રહેલી ક્ષમાના મુખ સામે એક પશુની હિંસક ક્રૂરતાથી તે જોઈ રહ્યો. ‘ઉત્તુંગ ! તારે જીવવું છે કે મરવું છે ?’ ક્ષમાએ પૂછ્યું. ‘એ પ્રશ્ન જ તું કરીશ નહિ. મરતાં મરતાં પણ એક રોમન સ્ત્રીમાં હું જીવતો રહેવાનો છું.’ સુખાસન ઉપર ઉત્તુંગે બેસીને કહ્યું અને વળી તેણે ક્ષમાના દેહનો માલિકની અદાથી સ્પર્શ કર્યો. ક્ષમાએ ખસીને કહ્યું : ‘ઓ મૂર્ખ, જોઈએ તો બીજી સ્ત્રી લે, પણ મને ન સ્પર્શીશ. હજી સમજ.' ‘મારી સમજ ચાલી ગઈ.’ ‘તો ભોગ તારા. હાથે કરી મૃત્યુના મુખમાં જા. તને ખબર નથી કે હું વિષકન્યા છું ?' ક્ષમાએ કહ્યું. ઉત્તુંગ ક્ષણભર ચમક્યો અને સહજ દૂર ખસ્યો. ક્ષમા વિષકન્યા ? વિષકન્યા બનતી તો અટકી ગઈ હતી ! ક્ષમાને લાગ્યું કે તેના પાસા સવળા પડે છે. તેણે કહ્યું : ‘હું તને મારા કરતાં પણ વધારે સારી રોમન કન્યા બતાવું.’ મૃત્યુનું સામીપ્ય અને બળાત્કાર સઘળાં જૂઠાણાંને જીવતાં બનાવે છે. ઉત્તુંગ એકાએક ખડખડ હસી પડ્યો અને બોલ્યો : ‘તારા અણુએ અણુમાં રોમની અસ્મિતા ભરી છે. મારે રૂપાળી સ્ત્રી નથી જોઈતી, હું તને જ માગું છું - તું વિષકન્યા હો તોપણ ! મરતાં મરતાં પણ મને સંતોષ થશે કે ઘમંડીમાં ઘમંડી પ્રજાની પ્રતિનિધિને એક ગુલામ ભ્રષ્ટ કરી રહ્યો છે !' ઉત્તુંગના મુખ ઉપર નરી પશુતા વ્યાપી ગઈ. એક દીપકે શ૨માઈને પોતાનું અસ્તિત્વ મિટાવી દીધું, બીજા બેત્રણ દીપકો ઝાંખા બની ગયા, અસ્થિર થયા અને કાંઈ પણ દૃશ્ય નિહાળવાની ના કહેતા હોય તેમ આછું