પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૨૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ગુલામીને છેડે:૩૧૫
 


હાલવા લાગ્યા. ગુલામ બનાવતી અને ગુલામ બનતી સંસ્કૃતિના ઘર્ષણમાંથી મહાપાપનો ભયાનક પડછાયો જાગ્યો. એ પડછાયાની પાછળ રાષ્ટ્રીય મહાપાપોની પરંપરા ડોકાઈ રહી. ભૂમિલોભ, સત્તાલોભ, ધનલોભ, સંસ્કાર ઘમંડ, મુત્સદ્દીગીરીને નામે પ્રસિદ્ધિ પામતી શયતાની લુચ્ચાઇ, રાષ્ટ્રીય અહંતામાં હોમાતમાં સ્ત્રીપુરુષોના નિશ્વાસ; એ સઘળું એ પરછાયા પાછળ આવી ઊભું. બળાત્કારના પાપનું ઘડતર એ માનસ ઘડવૈયાઓએ ઘડ્યું હતું. મૂર્છિત સુલક્ષ એકલો ખંડની બહાર પડી રહ્યો હતો. તેની આંખ ઊઘડી. તે એકલો જ હતો. તેને પ્રથમ તો સમજાયું નહિ કે તે શા કારણે આમ ખુલ્લામાં જમીન ઉપર પડી રહ્યો છે ! નશાની એ અસર હતી ? ના. તેને ધીમે ધીમે યાદ આવ્યું કે ગુલામોએ બળવો કરી વહાણ કબજે કર્યું હતું, અને ઉત્તુંગ સાથેના દ્વંદ્વયુદ્ધમાં પોતે મૂર્છિત બની ગયો હતો. તેને એકલો મૂકી સહુ ક્યાં ગયાં ? વહાણમાં આટલી શાન્તિ શી ? રોમન વનિતાઓએ પોતાના ભાગ્યને શું સ્વીકારી લીધું હતું ? સેબાઈન સ્ત્રીઓની કથા બની ગયેલા બળાત્કારનું પુનરાવર્તન આ પરાયા સાગરમાં શું થતું હતું ? તે બેઠો થવા ગયો. તેને લાગ્યું કે તે એકલો નહોતો. તેની છાતી ઉપર કોઈનો પગ મુકાયલો તેણે અનુભવ્યો. સારું ભોજન અને સારી સ્ત્રીઓ મેળવવામાં સર્વ ગુલામો ઉત્તુંગની એક આશા ભૂલી ગયા હતા. મૂર્છિત સુલક્ષને કોઈએ બાંધ્યો નહિ ! એની મૂર્છા વળતાં એ ઘણું ઘણું કરી શકત; પરંતુ તેની છાતી ઉપર મુકાયલા ભારે તેને ઊઠવા ન દીધો. ‘હઠી જા. કોણ છે તું ?’ સુલક્ષે બૂમ મારી પૂછ્યું. ‘હું કોણ છું ? જે વફાદાર ગુલામને તેં તમાચો માર્યો હતો તે જ હું.’ ‘અહીં શું કરે છે ?’ ‘તારા જાગૃત થવાની રાહ જોતો હતો.' ‘કેમ ?’ ‘ગુલામને તમાચો મારનાર મહાસેનાપતિ એ જ ગુલામને હાથે કેમ મરે છે તે તને બતાવવા માટે.’ ‘હું તને ગુલામીમાંથી મુક્ત કરું છું.’ ‘બે ઘડી પહેલાં તું એ વાક્ય બોલ્યો હોત તો હું તારે માટે જીવ આપત - અને તે સિવાય પણ જીવ હું આપતો જ હતો. હવે તારી એ આજ્ઞાનો કશો