પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૩૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૦:ક્ષિતિજ
 


માનનાર તું રોમનો કરતાં વધારે સારો હોવાનો ઢોંગ કરી રહ્યો છે. સૂર્ય ઊંચે આવ્યો. વહાણને ચાપડા લાગી ગયા હતા, અને તે કોઈ બીજા વહાણનો વિભાગ બની ગયું હોય એમ લાગતું હતું. વહાણ પણ એક ન હતું; સાથે હોડીઓનો એક મોટો કાફલો પણ હોય એમ લાગ્યું. સમુદ્રમાં સ્થિર થયેલા વહાણનાં ડોલન ઢાંક્યાં રહેતાં નથી. ‘પણ હવે શું કરવું છે ? નાગપ્રદેશમાં પાછો ફરીશ ? કે મારી સાથે પારસીકોની સહાયે આવીશ ?' સુબાહુએ પૂછ્યું. ‘તું આ વહાણને છોડી દે. સમુદ્રના મહાજળમાં હું, મારા સાથી ગુલામો, અને અમારે હાથ ચઢેલી રોમન સ્ત્રીઓ એકાદ ટાપુ ઉપર ઊતરીશું, ગુલામ પુરુષો અને મુક્ત સ્ત્રીઓનાં સંતાન ઉછેરીશું અને કહેવાતી મુક્ત પ્રજાઓનું આજ નહિ તો આવતી પેઢીમાં નિકંદન કરી નાખીશું - તારી આર્ય પ્રજા, ક્ષમાની રોમન પ્રજા અને ઉલૂપીની નાગ પ્રજા એ સર્વનું !' ઉત્તુંગે કહ્યું. ‘વહાણ મારા સમુદ્રમાં છે. હું એ વહાણને છોડી દઈશ નહિ.’ ‘તો ભલે. વહાણને જ્યાં ઘસડવું હોય ત્યાં ઘસડી જા, પણ હું નહિ આવું.' ‘એટલે ? તું એમ માને છે કે હું તને છોડીશ ?’ ‘છોડનાર કે બાંધનાર તું કોણ ? ક્ષમાને પૂછ કે મને બાંધવાનું શું પરિણામ આવ્યું.’ ‘ઉત્તુંગ ! હું તારો મિત્ર બનવા મથું છું.’ ‘હું એ મૈત્રીને હાથ પણ લગાડીશ નહિ. હું તને ધિક્કારું છું.’ તેથી તું મારા બંધનમાંથી છૂટવાનો નથી.’ ‘તારું બંધન ? તારો મેં શો અપરાધ કર્યો ?’ ‘આ ક્ષમા...’ ‘આ ઉલૂપી...’ સુબાહુની આંખમાંથી અંગાર ખર્યો. તેની સૌમ્ય આંખ આમ ઉગ્ર ભાગ્યે જ બનતી. પરંતુ તે ઉગ્ર બનતી ત્યારે તે પ્રલયનો પરિચય આપતી. ક્ષમાએ ઊંચે જોયું. ઉલૂપીએ સુબાહુ સામે જોયું. ઉત્તુંગે પણ સુબાહુની આંખ જોઈ. ઉત્તુંગે તો સદાય ભયને બાજુએ મૂક્યો હતો. ‘સાચું બોલનાર ઉપર ગુસ્સો જરૂર આવે, નહિ ?' કહી ઉત્તુંગે સુબાહુના ક્રોધ સામે હાસ્ય મૂક્યું. ‘તું જુઠ્ઠું બોલે છે.’ ક્ષણમાં ક્રોધ શમાવી સુબાહુએ જવાબ આપ્યો.