પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૩૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
તોફાન ઉપર ઊગેલું પ્રભાત:૩૨૩
 


હોત તો થોડાં વહાણો ઊથલી પણ ગયાં હોત. ઉલૂપી આ મગરમચ્છનું પ્રાગટ્ય અને તિરોધાન જોઈ રહી હતી. મગરમચ્છ અદૃશ્ય થતાં તેણે કહ્યું : 'ઉત્તુંગ જડ્યો નહિ.' ‘શોધે છે.’ સુબાહુએ જવાબ આપ્યો. ‘જડશે ?’ 'સમુદ્રમાં હશે તો જડશે.’ ‘એટલે ? બીજે ક્યાં જાય ?' ‘હું એ જ કહું છું.’ ‘મચ્છુ એને ગળી તો નહિ ગયો હોય ?’ દરિયાઈ મચ્છ માણસને તો શું પણ આખા વહાણનેયે ગળી જાય એવી માન્યતા પ્રચલિત હતી. ‘કોણ જાણે. મૂર્ખ, નકામો કૂદી પડ્યો.' સુબાહુ બોલ્યો. ‘પેલી ક્ષમાડીનાં બધાં કરતુક...' ઉલૂપીથી બોલાઈ ગયું. સુબાહુએ ઉલૂપી તરફ જોયું. ગંભીર ઉલૂપીના સ્ત્રીસુલભ શબ્દ અને ભાવ સુબાહુને વિચિત્ર લાગ્યાં છતાં ગમ્યા. શૂર સૈનિક અને કાબેલ મુત્સીદ્દી ગણાતી ઉલૂપીમાં સ્ત્રીત્વ વખતે વખતે ઝળકી જતું હતું અને તેના હસ્યમાં, બોલમાં, હાવભાવમાં, મશ્કરી કે ક્રોધમાં પ્રગટ થતું હતું. એ પ્રસંગો સુબાહુને કિત કરી નાખતા હતા. તેણે સ્મિતસહ કહ્યું : ‘ક્ષમા પાછળ જ બેઠી છે.' ‘મારા ધ્યાન બહાર નથી. અસાવધોને એ અચૂક ઘા કરે છે એ હું જાણું છું. હું અને તું એની દૃષ્ટિ બાર નથી.' ઉલૂપીએ કહ્યું અને બંનેએ પાછળ જોયું. ઉલૂપી ઉત્તુંગને નિહાળતાં પણ સુબાહુની રક્ષા માટે પ્રવૃત્ત હતી એ ઘટના જરા આશ્ચર્ય ભરી હતી. સુબાહુ પોતે પણ એ જ વિચાર કરતો હતો. પાછળ બેઠેલી ક્ષમા દૂર હોવા છતાં ધ્યાન બહા૨ ૨હે એમ ન હતું. ક્ષમા એ યુગલ તરફ ક્યારની જોઈ રહી હતી. સૈનિકો એને નિહાળી રહ્યા હતા. શા માટે ? સુબાહુ કે ઉલૂપીની દૃષ્ટિ સમુદ્ર ભણી હતી ત્યારે ક્ષમાએ તેમને ઘા કરવા કાંઈ પ્રયત્ન કર્યો હતો શું ? કે એ યુગલ તેના હૃદયમાં ઈર્ષ્યા ઉપજાવતું હતું ? જેમને તે છૂટા પાડવા આવી હતી તે જ એકરૂપ બની જતાં હતાં. નાગપ્રજાના અર્કસમી ઉલૂપી અને આર્યોના આત્માસમો સુબાહુ જોડાજોડ ઊભાં રહ્યાં હતાં ! અને તેની પોતાની જોડમાં ?-