પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૩૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૪:ક્ષિતિજ
 


અત્યારે કોઈ જ ન હતું. શિશિર છુટ્ટો પડ્યો હતો; કોઇ વહાણમાં તે છુપાતો નાસતો હોય. સુલક્ષ મૂર્છા ખાઈ જમીન ઉપર ઢળી પડ્યો હતો. કોઈ ગુલામે એને કાપી નાખ્યો જ હશે એમ એની ખાતરી હતી. ક્ષમાનો પ્રેમ માગતા કદી કદી પ્રેમના ધડકાર ઉપજાવતા એ બંને સોહામણું યુવકોનો ક્ષમાએ આમ ભોગ આપ્યો. રોમન કૈસર-શહેનશાહની પટરાણી થવાનાં સ્વપ્ન તેને હતાં જ. એ શહેનશાહે તેને અપરિણીત પ્રિયતમા તરીકે તો સ્વીકારી જ હતી. પરંતુ એ સ્થાન એને મન અપૂર્ણ હતું. સિંહાસન ઉપર શહેનશાહની સાથે બેસી હીરાજડિત મુકુટ પહેરી તેને પોતાનું શાસન ફેલાવવું હતું. શહેનશાહને રમકડા તરીકે રમાડી શકાય - કંઈક સ્ત્રીઓએ તેને એ પ્રમાણે રમાડ્યો હતો. પરંતુ શહેનશાહમાં હઠીલાઈ હતી, શૌર્ય પણ હતું અને આકાંક્ષા પણ હતી. ને જાગ્રત થતા એ વિલાસી કૈસર એક ક્રૂર યોદ્ધો બની ગયો, અને એ પ્રિય સ્ત્રીઓને ફેંકી દેતો ચાલ્યો. ક્ષમાને આમ ફેંકવાની જરાય ઇચ્છા ન હતી. તેણે શહેનશાહને ઈરાન જીતવા પ્રેર્યો, અને સાથે આર્યાવર્ત છિન્નભિન્ન કરવાનું બીડું તેણે પોતે ઝડપ્યું. આર્યાવર્ત અને ઈરાન પડે તે દિવસે - તે ક્ષણે શહેનશાહ તેની પટરાણીને તાક આપીને ક્ષમાને પટરાણી બનાવવાનો હતો. - અને પટરાણીપણામાંયે શું ? જરૂર પડ્યે કૈસરને પણ ધક્કા મારી સિંહાસનેથી શું ન ખસેડાય ? રોમનાં સિંહાસનો ડોલાવનારી સ્ત્રીઓનાં નામ તે જાણતી હતી. પરંતુ રોમનું સિંહાસન કોઈ સ્ત્રીએ એકલા શોભાવ્યાનો ઇતિહાસ જડતો ન હતો. જગતને સ્ત્રીશક્તિનો એ પરચો ન આપી શકાય ? હિંદસમુદ્રનાં સર્વસત્તાધીશ બનીને આ વિચારો સેવતી આર્યાવર્ત આવેલી ક્ષમાને અણધાર્યા અને વિચિત્ર અનુભવો થયા. નાગપ્રદેશ તેણે નિહાળ્યો, ભય પમાડતાં ચાંચિયાઓ સુબાહુ અને સુકેતુને તેણે નજરે નિહાળ્યા; માલવપ્રદેશને અને માલવપતિને પણ તેણે જોયા. માલવપતિ જો પોતાની વાસનાને મર્યાદિત કરી શકતો હોત તો રોમનોના વિજયમાં તેનો ઉપયોગ પણ કરી શકાત. આંધ્રોમાં ઉશ્કેરણી થઈ શકી હતી. આમ આર્યાવર્તને છિન્નભિન્ન કરવાની શક્યતા તે નિહાળી રહી હતી. છતાં - લાટસમુદ્રમાંથી તે પાછી જતી રહેતી હતી ! તેની બુદ્ધિ, શક્તિ અને રૂપનું પરિણામ શૂન્યમાં આવ્યું. એટલું જ નહિ; તેના સ્ત્રીત્વનું ભયંકર અપમાન એક અશિષ્ટ કદરૂપા પુરુષ-ગુલામે કર્યું. એ સ્ત્રીત્વમાં વિજયનાં સર્વ તત્ત્વો હતાં : યુદ્ધકળા, શૌર્ય, મુત્સદ્દીગીરી, મહત્ત્વાકાંક્ષા અને એ સર્વને પુષ્ટિ આપતું અદ્ભુત દેહસૌંદર્ય. ક્ષમાને દેહ ગમતો હતો. સૌંદર્ય ગમતું હતું. પુરુષો પણ ગમતા