પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૩૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
તોફાન ઉપર ઊગેલું પ્રભાત:૩૨૫
 


હતા. કેટલાક કદરૂપા ખ્રિસ્તી સાધુઓ રોમમાં ભિક્ષા માગી નીતિનો પોકાર કરતા હતા, અને નૂતન ધર્મના પ્રાથમિક આવેશમાં કેટલાક પુરુષોએ અને કેટલીક સ્ત્રીઓએ બ્રહ્મચર્યના વ્રત લેવાની શરૂઆત કરી હતી. પરંતુ રોમનો દેવ, રોમનું શાસ્ત્ર અને રોમનું શાસન સ્ત્રીપુરુષના દેહને આમ નિરર્થક બનાવી દેવામાં જરાય સંમત થાય નહિ. સ્ત્રીપુરુષના મિલનને તિરસ્કારનારી એ ખ્રિસ્તીઓની ભાવનાને હસી કાઢતી રોમની પ્રજાનાં સ્ત્રીપુરુષો દેહદ્વારા મળતા એકેય પ્રકારના આનંદને જતો કરવા તૈયાર ન હતાં. ક્ષમાના આનંદપ્રસંગોને માત્ર ત્રણ મર્યાદા હતી : રૂપ ઘટાડે એવો આનંદ નહિ; શક્તિ ઘટાડે એવો આનંદ નહિ; મરજી વિરુદ્ધનો અન્યને તૃષ્ટિ આપતો આનંદ નહિ. એ મર્યાદાઓને લીધે આખા રોમન સ્ત્રીસમાજમાં તે જુદી તરી આવતી હતી. આજ હવે તે જુદી તરી આવે ખરી ? રોમન નારી સ્વેચ્છાએ ગમે તે આચારનો માર્ગ લે. પરંતુ સ્વેચ્છારહિત થતું કાર્ય આક્રમણ હતું : બળાત્કાર હતું. જગતમાં કોઈ એ કાર્ય ન જાણે, છતાં ક્ષમાનું માનસ એને કેમ અળગું કરી શકે ? ઉત્તુંગનું આક્રમણ એટલે એક ગુલામનો આખી રોમન સંસ્કૃત ઉપર હુમલો ! ઉત્તુંગનો બળાત્કાર એટલે એક અશિષ્ટ પ્રજાએ રોમન મંદિરની કરેલી આભડછેટ ! અને તે સફળતાપૂર્વક ! રોમનો ગરુડ ? ફરકતો હોવા છતાં ! ક્ષમાના ક્રોધનો પાર ન હતો. અસહાયપણું એ ક્રોધને વધારે તીવ્ર બનાવી રહ્યો હતું. વહાણ રોમનોનું હતું. ક્ષમાનું હતું, પરંતુ અત્યારે એની માલિકી ક્ષમાની રહી નહિ. ગઈ રાતે ગુલામોએ તેની માલિકી કરી લીધી. સવારમાં સુબાહુ અને ઉલૂપીએ આવી વહાણને કબજે કર્યું. સુબાહુ અને ઉલૂપીની સામે ધરવા માટે સાચવી રાખેલા ઉત્તુંગને પણ જળશયન કરવું પડ્યું ! મોહિત ઉત્તુંગ પણ ઉપયોગમાં આવી શકત. તેના વિરુદ્ધ સુબાહુને ફરિયાદ પણ કરી શકાત, અને સજાનો લાવો પણ લઈ શકાત. હવે તે શક્ય ન હતું. ક્ષમા એકલી પડી.. કદી ન મૂંઝાય તે ક્ષમા મૂંઝાઈ, અને સુબાહુ તથા ઉલૂપીને સાથે ઊભેલાં નિહાળી પ્રજળી ઊઠી. તેની પાસે હથિયાર ન હતું. શાપ આપવામાં કશો અર્થ ન હતો. ખરો દુશ્મન સુબાહુ જ હતો. એણે જ તેના સઘળા પાસા ફેરવી નાખ્યા હતા. ક્ષમાની આંખોમાં અનેક વાર ખૂન ચમકી ઊઠ્યું અને સુબાહુના અંગરક્ષકોએ તે ધ્યાનમાં પણ લીધું. પરંતુ સુબાહુનું ખૂન કરવાનું તેની પાસે કશું જ સાધન ન હતું. હજી સુબાહુ કે ઉલૂપીએ તેની તરફ ધ્યાન પણ ૧. રોમન ધ્વજ ઉપરનું ગરુડનું ચિહ્ન ક્ષિ. ૨૧