પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૪૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
તોફાન ઉપર ઊગેલું પ્રભાત:૩૨૭
 


'ક્યાં જાય છે ?' ઉલૂપી બોલી. ‘કેમ ? મને ઊભા થવાનો પણ અધિકાર નથી ? હું મારી સહચરીઓને મળવા જાઉં છું.' ક્ષમાએ જવાબ આપ્યો. ‘એ તારી સહચરીઓ સુરક્ષિત છે.' સુબાહુએ કહ્યું. ‘સુરક્ષિત ! રાત્રે કેમ ન આવ્યો ?' ક્ષમા બોલી. ‘વહાણના માર્ગ તો બદલાયા કરતા હતા ! મારા બે પહોર એમાં જ વીત્યા.' ‘હવે ક્યાં લઈ જાય છે ?’ ક્ષમાએ પૂછ્યું. ‘તારે ક્યાં જવું છે ?’ ‘કેદીની મરજી પૂછ્યાથી શું ?’ ‘તમને બધાંને રોમ મોકલી દઉં ?' ‘હું રોમ નહિ જાઉ. બીજાને જ્યાં જવું હોય ત્યાં જાય.' એકાએક નિશ્ચય કરી ક્ષમાએ કહ્યું. ‘હું ઈરાનને માર્ગે છું. રોમન સૈન્ય ત્યાંની સરહદ ઉ૫૨ આવ્યું હશે. ત્યાં તારે જવું છે ?’ ‘ના; હું આર્યાવર્ત પાછી ફરીશ.’ ‘કેમ ? મેં રોમનો માટે મારાં બધાં બારાં બંધ કર્યાં છે તે તું જાણે છે.’ ‘તો પછી મને પૂછીશ નહિ.’ ‘તારે દેશ જવાની હું તને છુટ્ટી આપું છું. પછી શા માટે ના પાડે છે ?’ ‘મને એવે સ્થળે જવા દે કે જ્યાં રોમનું કોઈ નામિનશાન પણ ના હોય.’ ‘કારણ ?’ ‘એક અપમાનિત રોમન સ્ત્રી અપમાન વીસરી જાય અગર અપમાનનો બદલો લે ત્યારે જ રોમ પાછી વળે છે !' ‘ઠીક. તારી સહચરીઓને મળી લે, અને તેમને પૂછ, તારી સલાહ વગર એ કશું કહેશે નહિ.' સુબાહુએ કહ્યું. ક્ષમાએ વીખરાયલા વાળને સજ્જ કર્યા અને રુઆબભેર આગળ વધી. તેના માર્ગમાં એક બાજુએ મોટો આયનો જડેલો હતો. આયનામાં તેણે પોતાનું મુખ અને પોતાનો દેહ આખો પ્રતિબિંબિત થયેલાં નિહાળ્યાં. તે એવી ને એવી જ રૂપાળી હતી ! રાત્રીનો અત્યાચાર તેના મુખને ફેરવી શક્યો ન હતો. તેણે પાછળ ફરી ઉલૂપી તરફ જોયું, ફરી આયનામાં