પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૪૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિયોગ:૩૩૩
 


‘ઉત્તુંગની સાથે તું સુબાહુને પણ ગુમાવીશ !' ‘હું.' અત્યંત તિરસ્કારભરી આંખે ઉલૂપીએ ક્ષમા તરફ તાકીને જોયું. દૂર રહેલા રક્ષકોને પણ લાગ્યું કે ઉલૂપીની આંખ ક્રૂર બની છે. એને રક્ષાની જરૂર હોય પણ ખરી, તેઓ જરા પણ અવાજ કર્યા વગર આથડી પડવા તત્પર બનેલાં બંને નારીતત્ત્વોની પાસે આવી ઊભા. તિરસ્કારનો જવાબ આપવા માટે ક્ષમા ખોટું ખોટું હસી. નિષ્ફળ નીવડેલું પરાક્રમ હલકી કોટીએ ઊતરી કુટિલ બની જાય છે. હારેલો શહેનશાહ ખૂની ડાકુ કે ચોર બની જાય છે. યોજનાને અકસ્માત નિષ્ફળ બનાવી ગયેલા ઉત્તુંગે ઊભી કરેલી અસહાય સ્થિતિ ચાલુ રાખવા આવી પડેલા સુબાહુને જોતાં ક્ષમાની અસહાય વ્યાકૂળતા વધી પડી. પરંતુ સુબાહુ જતાં ઉલૂપી સાથે એકલી પડેલી ક્ષમાને ઉલૂપીમાં એક નવું સાધન જડી ગયું. સંધિવિગ્રહમાં, રાજ શાસન કે સૈન્યશાસનમાં સ્ત્રી પુરુષનાં દૈહિક આકર્ષણ શું શું કરી શકે છે એનો ક્ષમાને ખ્યાલ ન હોય એમ બની શકે જ નહિ. રોમન શહેનશાહે એ જ આકર્ષણના પ્રભાવે તેને સમુદ્ર અને સમુદ્રપારના પ્રદેશો સોંપ્યા હતા. આખો નાગપ્રદેશ છોડી તેની પાછળ ઉત્તુંગ આવ્યો હતો એમાં એ જ આકર્ષણ ક્ષમા જોઈ શકી હતી. સુબાહુ આકર્ષણથી પર લાગ્યા કરતો હતો, પરંતુ એનેય ઉલૂપી માટે ધેલછા હતી એ વાત તેની દૃષ્ટિ બહાર કે શ્રવણ બહાર રહી ન હતી. એ બે વચ્ચેના આકર્ષણનો ઉપયોગ થઈ શકે. અને સુકેતુ જોકે બહુ જ આજ્ઞાધારક હતો. છતાં એનું સ્વભાવચાંચલ્ય ક્ષમાએ હજી તાવ્યું ન હતું - કહો કે રોમમાં વર્ષો પૂર્વે એની તાવણી થઈ ચૂકી હતી. રોમનાં સ્નાનગૃહો, નાટ્યગૃહો, મઘગૃહો અને વિદ્યાગૃહોના વિલાસ સુકેતુને બહુ જ આકર્ષી રહ્યા હતા અને સુબાહુનો સાથ ન હોત તો સુકેતુ રોમમાં એક લાલચુ પરદેશી વ્યાપારી તરીકે જ આજ ભટકતો હોત - અગર હિંદના કોઈ રોમન થાણાનો તાબેદાર દલાલ બની રહ્યો હોત. ઉલૂપી અને સુકેતુ જેવા ક્ષમાની શતરંજનાં હૉરાં હજી રમાયાં ન હતાં, ઉલૂપીથી એણે નવી રમત શરૂ કરી. હવે ઉલૂપીનો તિરસ્કાર ઉત્તેજતી ક્ષમાએ રક્ષકોને નિહાળતાં ખોટું હાસ્ય કર્યું. ઉલૂપી ક્ષમા સાથે એકલી ન રહી શકતી હોય એવો ભાવ એ હાસ્યમાં હતો. અને... અને.... ક્ષમાએ ઉલૂપી સામે આહ્વાન તો ફેંક્યું જ હતું ! ઉત્તુંગને જાણે ક્ષમાએ ઝૂંટવી લીધો હોય અને સુબાહુને ઝૂંટવી લેવાની તેની ખાતરી જ હોય અને એવી વાણીનું પરિણામ ઉલૂપીના તિરસ્કારને જ જાગ્રત કરે. એ તિરસ્કાર અસાવધપણાનો સૂચક હતો. અને રક્ષકોની નિકટતામાંથી એ તિરસ્કારને ઘટ્ટ બનવા ક્ષમાએ હાસ્ય કર્યું. ‘તમારી જરૂર નથી.’ ઉલૂપીએ સૈનિકોને આજ્ઞા કરી.