પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૪૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિયોગ:૩૩૫
 


સ્વીકારી રહ્યાં હતાં ! સ્વર્ગ અને પૃથ્વી એ બંને લોકને એક જ હાથથી મિટાવી દેવાની વૃત્તિ ક્ષમામાં જાગી, આકાશને એ પૃથ્વી ઉપર ગબડાવે ! સમુદ્ર આકાશને ગળી જાય એટલે ઊંચે ઉછાળે ! અને એ પ્રલયમાં રમીને તે પોતે પાછી પ્રલયમાં ડૂબી જાય ! એવો ભાવ ક્ષમાના હૃદયમાં પાછો ઊછળી આવ્યો. ‘હસી લે !' ક્ષમાએ કહ્યું. ઉલૂપી હસી રહી. તેણે ક્ષમાના મુખ ઉપર વેદના જોઈ. તેને દયા આવી ? કે એ વેદના જોઈ આનંદ થયો ? ‘કેમ ?’ ઉલૂપીએ ઓસરતા સ્મિતસહ પૂછ્યું. આ તારું છેલ્લું હાસ્ય છે. ક્ષમાએ કંઈ પણ વિચાર કર્યા વગર ઉલૂપીને શાપ આપ્યો, અને સહજ મુખ ફેરવી તે બેઠી. અસહાય સ્ત્રીપુરુષોના શાપ હાસ્યપાત્ર હોય છે. પરંતુ ઉલૂપી હસી નહિ. કેટકેટલા શબ્દો માનવીના ભાગ્ય સાથે ભળી જઈ સાચા પડી જાય છે ! સુબાહુએ તેને આગળ વધવાની ના પાડી હતી. પાછી ફરતી ઉલૂપીને સુબાહુ પાછો ન મળે તો ? જીવનભરમાં તેને આ એક જ ચિંતા રહ્યા કરતી હતી. એ જ કારણે તેણે નાગપ્રદેશની વ્યવસ્થા કરી સુબાહુ સાથે પાર- સીકોની સહાયે જવાનો નિશ્ચય કર્યો હતો. ક્ષણ પણ સુબાહુને એકલો ન મૂકવાનો નિશ્ચય કરી આવેલી ઉલૂપીને એ નિશ્ચય તોડી પાછા ફરવાનું હતું. ક્ષમાના શાપે એ વસ્તુસ્થિતિને સ્પષ્ટતાથી ઊભી કરી. ‘શા માટે શાપ દે છે ?’ ઉલૂપીએ સહજ વહેમથી દુખિત થઈ પૂછ્યું. ‘તું મને હસે છે માટે.’ ક્ષમાએ જવાબ આપ્યો. ‘હવે તને નહિ હસું. પછી કાંઈ ?’ ‘તને રડતી જોવા માગું છું.’ ‘મને રડતાં આવડે છે - જોકે તારી માફક હું પણ ભાગ્યે જ રહું છું.’ ‘હું તો કદી રડી નથી. રડવાની પણ નથી.’ સુબાહુ ધીમે ધીમે પાછળથી આવ્યો. ક્ષમાએ તેને જોયો - ઉલૂપીએ નહિ. બે સ્ત્રીઓના વાક્યુદ્ધનો સુબાહુને સહજ ખ્યાલ આવ્યો. એ ખ્યાલે તેના મુખ ઉપર સ્મિત પણ પ્રેર્યું. રાજ્યો ચલાવતી - રાજ્યોની ઊથલપાથલ કરતી આ બંને સ્ત્રીઓ એકલી પડતાં એકબીજાને રડાવવાની નિર્જીવ અલ્પતાસૂચક કક્ષાએ કેવી રીતે ઊતરી રહી હતી તેનો તેને સહજ ખ્યાલ આવ્યો. સ્ત્રીઓમાં એક પ્રકારની લઘુતા હશે ! નહિ ? સુબાહુને વિચાર આવ્યો.