પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૫૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૮:ક્ષિતિજ
 


‘તારો જ્યાં સાચો ખપ છે ત્યાં હું તને મોકલું છું.’ ‘મારે બદલે જયરાજને મોકલ.' ‘ક્ષમાને તારા વગર કોઈ સાચવી શકે એમ હું માનતો નથી.’ ‘તું પણ નહિ ?’ ‘ના.’ ‘કારણ ?’ ‘એ એક અપમાનિત સંસ્કૃતિતત્ત્વ છે.' ‘તે એ શું કરશે ?’ ‘એ શું નહિ કરે એ ન કહેવાય. એ મારી, તારી કે એની પોતાની આખી સંસ્કૃતિને પ્રજાળી મૂકે.' ઉલૂપી અને સુબાહુ બંને આગળ વધતાં હતાં. વહાણમાંથી રુધિરના ડાઘ ઘસી કાઢવામાં અનેક વહાણવટીઓ રોકાયા હતા. રુધિરના ડાઘ ઝડપથી જતા નથી. એ જીવનતત્ત્વ જીવ ગયા પછી પણ જીવનની સાક્ષી આપે છે. અને માનવજાત એને પાણી જેટલું કિંમતી પણ ગણતી નથી ! સીડી ઉપરથી નીચે ઊતરી રહી ઉલૂપીએ સુબાહુને કહ્યું : ‘ભલેને એ ત્રણે સંસ્કૃતિઓ બળી ભસ્મ થાય ! એમાં મારે શું ?’ ‘ભસ્મની રાખ બનતી હોય તો હરકત નહિ. પરંતુ ભસ્મમાંથી શિવ પાછા સૃષ્ટિ સર્જે છે, નહિ ? ભસ્મ નાશ નહિ પણ જીવન-અર્ક બની જાય ત્યારે?’ ઉલૂપીએ સુબાહુની વાણી સમજવાનો પ્રયત્ન કર્યો, સંસ્કૃતિ વ્યક્તિના આદર્શ સામે ઊભી રહે તો વ્યક્તિ શા માટે એ સંસ્કૃતિને બાળી ન નાખે ? ‘સમજાય એવું બોલ. હું મને જ મારો પ્રશ્ન પૂછું છું. હું તને અળગો કરવા માગતી નથી. હું તારાથી અળગી થવા માગતી નથી.’ અને એમ અળગાં થવામાં કદાચ આપણે વધારે સાચ્ચાં ભેગાં થઈએ તો ?' તારાં પેલાં ન સમજાતાં ઉપનિષદો આગળ ન કરીશ. હું સ્થૂળ જ્ઞાનને વધારે સમજું છું અને સ્થૂળ સામીપ્ય વધારે માગું છું.’ ‘હું એ સામિપ્ય જ વિચારી રહ્યો છું. વૈરભાવનામાં ઉત્તુંગ અને ક્ષમા મળ્યાં. એમાંથી બળાત્કાર જાગ્યો. હું અને તું પ્રેમભાવે સામીપ્ય શોધી રહ્યાં છીએ. એક મિલનમાં અપમાન, બીજા મિલનમાં સન્માન. પણ એ મિલનનાં પરિણામ શાં ?'