પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૫૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિયોગ:૩૪૩
 


ઉલૂપી ઊતરી, ઉલૂપીના મુખ ઉપર ગ્લાની છવાઈ રહેલી દૂરથી દેખાઇ. ક્ષમાના હૃદયમાં એથી આનંદ કેમ ઊપજ્યો ? સુબાહુ દેખાતો ન હતો. ઉલૂપી એકલી ક્ષમાના વહાણ તરફ આવતી હતી. નિશ્ચિત દૃઢ પગલે તે ક્ષમાના વહાણ ઉપર ચઢી ગઈ. એ જ ક્ષણે નાના પણ ચપલ આર્ય વહાણની એક અગાશીમાં સુબાહુ ઊભેલો દેખાયો. ઉલૂપી અને સુબાહુ શું છૂટાં પડ્યાં ? સૂર્ય મધ્ય આકાશમાંથી ખસી પશ્ચિમ તરફ ઢળતો હતો. ઉલૂપીએ ક્ષમાના વહાણમાં આવી ક્ષમાના ઓરડામાં પ્રવેશ કર્યો. ઓરડાની એક બારી ઉપર ઉલૂપી પણ ઊભી રહી. ક્ષમાના વહાણે માર્ગ બદલ્યો. આખા કાફલામાં ફેરફારીઓ થઈ. આજ્ઞા આપતા ઉચ્ચારો અને શંખનાદ શરૂ થઈ ગયાં. એક નૌકાસમૂહ દક્ષિણ તરફ વળ્યો, અને એક સમૂહ - મોટો સમૂહ ઉત્તર તરફ આગળ વધ્યો. ક્ષમાનું દક્ષિણ તરફ વળતું વહાણ અને સુબાહુનું ઉત્તરાભિમુખ થતું વહાણ અડોઅડ આવી દૂર થવા લાગ્યાં. અગાશીના સૂર્યતાપમાં ઊભેલો સુબાહુ છેક પાસે આવી દૂર જતો ચાલ્યો. ક્ષમાએ પોતાની બારી છોડી અને તે ઉલૂપી પાસે આવી ઊભી રહી. ઉલૂપીને તેનું ભાન હતું. તેની દૃષ્ટિ દૂર દૂર ચાલ્યા જતા સુબાહુના વહાણ તરફ ચોંટી રહી હતી. સુબાહુએ પણ પોતાની અગાશી છોડી નહિ. તે ઊભો જ હતો. પરંતુ ધીમે ધીમે તે નાનો થતો ચાલ્યો ! તેનું નાનકડું વહાણ રમકડા સરખું હવે લાગતું હતું. અને તેનાં વહાણનો આખો સમુદાય ? વિશાળ સમુદ્રપટ ઉપર પાંદડાની હોડીઓ સરખો અલ્પ લાગતો હતો ! સુબાહુ પણ એક બિંદુ સરખો બની ગયો... અને એ બિંદુ સરખી આકૃતિ પણ હવે અદૃશ્ય થઈ ! નાનકડા ડાઘા સરખો લાગતો આખો કાફલો અદૃશ્ય થતો ચાલ્યો, અને... અને... થોડી ક્ષણમાં તો તે અદૃશ્ય થઈ ગયો ! સુબાહુ અને તેના નૌકા સૈન્યને અવકાશ ગળી ગયું ! મોજાના ઉછાળામાં નર્તન કરતો એકલ- વાયો સમુદ્ર ચારેપાસ વિસ્તરી રહ્યો હતો. એ ખાલી વિસ્તાર ઉલૂપીની આંખને નિષ્ફળ બનાવતો હતો. ઉત્તર પશ્ચિમમાં વહાણનું નિશાન પણ રહ્યું નહિ. ઉલૂપીએ બીજી પાસ નજર નાખી. સમુદ્ર સૂર્યને પણ ગળી જતો હતો. ઘટી ગયેલા તેજવાળો પીળો ફિક્કો સૂર્ય ઝાંખા ચંદ્ર જેવો શિથિલ