પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૬૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ધર્મનીતિ કે રાજનીતિ?:૩૫૧
 


ઘોડા અટકી પડ્યા. સહુથી આગળ વધેલા યુવરાજના દેહ ઉપર એ ફાંસો ઊતરી આવ્યો અને યુવરાજ ઘોડા ઉપરથી નીચે પડી રેતી અને પાણીમાં ઘસડાવા લાગ્યો. ‘ખબરદાર, જો આગળ વધ્યા તો. કોણ છો ?' હોડીમાંથી અવાજ આવ્યો. સુકેતુએ જવાબ ન આપ્યો. તેણે જોયું કે યુવરાજ ફાંસામાં આવી ગયો છે. વીજળીની ઝડપે ખેંચાતા દોરને રોકવા સુકેતુએ અશ્વને બાજુએ મૂક્યો અને પાણીમાં કૂદકો મારી દોરને કટાર વતી કાપી નાખ્યો. છૂટો થયેલો યુવરાજ અપમાનનો બદલો લેવા આગળ ધસ્યો, અને પહેલી જ હોડીમાં તે કૂદી પડ્યો. તેની પાછળ પાંચ સૈનિકો ધસી. ગયા. હોડીઓની પુલ સરખી એકથી બીજા કિનારા સુધી બાઝી ગયેલી કતાર ભાંગી ગઈ અને તેમાંથી છૂટી ગયેલી કેટલીક હોડીઓ દૂર જવા લાગી; અને કેટલીક પહેલી હોડી પાસે આવી ગઈ. ઝપાઝપી થતી લાગી, પરંતુ થોડી ક્ષણોમાં તો એ ઝપાઝપી બંધ થઈ અને એક સહજ ધવાઈ પકડાયલા મનુષ્યને સુકેતુએ પૂછ્યું : ‘શું કરો છો અહીં ?’ ‘અમે શું કરીએ બીજું ? આ રાતમાં જાળ નાખી બેઠા હતા. અમારો તો એ ધંધો છે.' ‘ફાંસો શા માટે ફેંક્યો ?' ‘અમારે બીજું કયું હથિયાર ? અમને લાગ્યું કે લૂંટારા આવે છે. અમારા દેશમાં હમણાં હમણાં આવાં ટોળાં બહુ દેખાય છે એટલે તમને બિવડાવવા આમ કર્યું.' ‘તમારી જાળ ક્યાં છે ? મારી તો વળાવિયા હોડી છે. જાળ તો આ પાસેની હોડીઓએ ઊંચકી લીધી હશે.' ‘એ જાળ મારી પાસે લાવીને મૂકો. ‘હું કાંઈ એ હોડીઓનો માલિક ઓછો છું ?' ‘તો તું છે કોણ ?’ ‘હું રખવાળ હોડીનો સુકાની. ‘એ સુકાનીને હોડી બહાર કાઢો, અને એને ગળે ફાંસો બાંધો. આજ્ઞા થતા બરોબર સુકાની સૈનિકોએ ઊંચક્યો અને હોડી બહાર ફેંકી તેના ઉપર તેઓ તૂટી પડ્યા. દૃષ્ટિ ચોખ્ખી પડે એવું અંધારું હતું. સુકાનીને ગળે ફાંસો બંધાયો. અને વીખરાતી હોડીઓ સ્થિર બની.