પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૭૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 


સુકેતુની મૂંઝવણ
 


‘ધાર્યા કરતાં આપણે વહેલા આવી ગયા.' એક સૈનિકે કહ્યું. ‘ક્ષણ પણ રોકાયા નથી ને !' યુવરાજે કહ્યું. ‘આટલી ઝડપ શા માટે ?' બીજા સૈનિકે પૂછ્યું. ‘ધર્મઘેલછા આપણા આખા સૈન્યને જોખમાવતી હતી તે ન જોયું ?' સુકેતુએ કહ્યું. ‘પણ આપણે માત્ર છ માણસો અહીં આવી શું કરીશું ?' ‘રસ્તામાં આપણે માટે જ નહિ પણ આખા સૈન્ય માટે ષડયંત્રો ગોઠવાઈ ગયાં છે. બૌદ્ધ બને તે બચે.' ‘રોમનો કે પારસીકો કાંઈ બૌદ્ધ નથી.' ‘એ પણ બને - જો આપણો આખો આર્યવિભાગ બૌદ્ધ બનતો હોય તો. સિંધુપ્રદેશ, ઊર્ધ્વસ્થાન અને શકસ્થાન તો લગભગ બૌદ્ધ બની ગયા દેખાય છે.' સુકેતુએ કહ્યું. ‘સ્થાનક આવી ગયું છે. પેલું ભિખ્ખુઓનું ટોળું !' એક સૈનિકે કહ્યું. સંધ્યાનો સમય થયો હતો. આસપાસ સારી ખેતી અને આબાદી દેખાતાં હતાં. આર્યોનું એ શક્તિપીઠ બૌદ્ધોએ પોતાનું કરી લીધું હતું. વિહારમાંથી મઠ, ચૈત્યમાંથી મંદિર અને મઠમંદિરમાંથી વિહા૨ચૈત્યની ફેરફારી થતાં એ યુગમાં વધારે વાર લાગતી નહિ. મહાસમર્થ તાંત્રિક વિશ્વઘોષનું સ્થાનક આ સ્થળે જ હતું. એણે આર્યોની ત્રિપુરસુંદરી દેવીને પોતાની - બૌદ્ધોની બનાવી દીધી હતી. સુકેતુએ વિશ્વઘોષનું નામ સાંભળ્યું હતું - આખા જગતે એનું નામ સાંભળ્યું હતું. માટે જ એ વિશ્વઘોષ તરીકે ઓળખાતો હતો. પરંતુ એનાં પ્રત્યક્ષ દર્શન સુકેતુને થયાં ન હતાં. વિશ્વઘોષ સુકેતુના માર્ગમાં આવતો હતો એ સુકેતુએ સમજી લીધું હતું. માતાનું સ્થાનક એક નાનકડા શહેર જેવડું લાગતું હતું. મકાનો, બગીચા, મઠ સ્થળે સ્થળે યોજાયેલાં હતાં. માતાને સ્થાનકે ધ્વજા ફરકતી દૂરથી દેખાતી હતી. લોકો નવા સૈનિકો નિહાળી તેમના પ્રત્યે કુતૂહલથી નીરખતા હતા. શહેર બહાર સૈનિકો ઊભા, અને પૂછપરછ કરતાં તેમને સમજાયું કે વિશ્વઘોષનું સ્થાનક તેમની સામે જ આવેલા એક બગીચામાં હતું.