પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૮૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સુકેતુની મૂંઝવણ:૩૬૯
 


‘એમ ? હરકત નહિ. પરંતુ એક વાત સમજી લે. મને મારીશ તો યુવરાજ બચશે નહિ.' ‘અને યુવરાજ અઠવાડિયામાં ઊઠશે નહિ તો આ આખો પ્રદેશ અને સમગ્ર બૌદ્ધ જનતાની હું જડ ઉખાડી નાખીશ. ‘અશક્ય, મૂર્ખ ! અશક્ય.’ ‘લોહી મને તૃપ્તિ આપશે.’ વિશ્વઘોષે પોતાના સહજ લાંબા નખ વડે એક આંગળી ઉપર કાપ મૂક્યો. તેમાંથી રુધિરનાં બિંદુઓ ઊંચકાઈ આવ્યાં. ‘જો, આ રુધિરનાં છાંટા. ચારપાંચ ટીપાં હું માતાના અગ્નિકુંડમાં હોમું તો યોજનો સુધી ઝે૨ હવામાં ઊડે એમ છે.’ વિશ્વઘોષે કહ્યું, સુકેતુ આ ભયંકરતા ભરપૂર માનવીને નિહાળી જીવનભરમાં નહિ ચમક્યો હોય એટલું ચમક્યો. ‘મને શી સલાહ આપો છો ?' સુકેતુએ પૂછ્યું. ‘બૌદ્ધ દીક્ષા લેઈ લે. તારું કલ્યાણ થશે. મારું સ્થાન તને મળશે. જગતના કોઈ પણ સમ્રાટ કરતાં એ સ્થાન ઓછું ઉન્નત નથી.’ ‘હું વિચાર કરી જોઉં.' ‘ભલે. ઉતાવળ મને નથી. મને મિત્ર માનજે.’ સુકેતુએ ખંજર પાછું કમરે ભેરવી દીધું, અને ગંભીર મુખે તે પાછો ધર્મશાળામાં આવ્યો. યુવરાજ હજી સૂતો જ હતો : બેભાનીમાં.