પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૮૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 


બંધુમિલન
 


યુવરાજને હજી નિદ્રાવસ્થામાં જ નિહાળી સુકેતુ મૂંઝવાયો. માલવ મહારાણીને શો જવાબ આપી શકાશે તેની તેને સૂઝ પડી નહિ. છતાં તેણે એક વાત ચોક્કસ કરી લીધી. વિશ્વઘોષની અવરજવર ઉપર તેમ જ માતાના સ્થાનક ઉપર તેણે પોતાના આવી પહોંચેલા સૈનિકોનો અંકુશ મૂકી દીધો અને સુબાહુ ત૨ફ દરિયા માર્ગે ખબર મોકલાવી. આસપાસના જાણીતા વૈઘો અને માત્રકિને પણ તેણે બોલાવ્યા. પોતાના સૈન્યમાં સાથે લીધેલા શસ્ત્રવૈઘોને પણ ભેગા કર્યા. છતાં યુવરાજની નિદ્રા ખસી નહિ. અને ક્વચિત્ તેની આંખ ઊઘડતી ત્યારે તે માનસિક અંકુશ વગરના કે નહિ સરખા ભાનવાળો બની કોઈને ઓળખતો ન હોય એમ નજર નાખી નિઃશ્વાસ સહ પાછો અભાનમાં ડૂબકી મારી જતો. વિશ્વઘોષ ઉપર કશો ત્રાસ કરી શકાય એમ ન હતું. તેને અંગત જુલમની પરવા ન હતી. તેની અદ્દભુત સહનશક્તિએ તેને વ્યથાથી પર બનાવી દીધો હતો. વળી એના સિવાય યુવરાજના વ્યાધિનો ઇલાજ બીજા કોઈ પાસે નથી એમ વૈદ્યોથી તેણે ખાતરી કરી લીધી હતી. વિશ્વઘોષ ઉપરના અંકુશમાંથી તેને વિશ્વોષની એક મહાભયાનક યોજના ઓળખાઈ. સ્ત્રીઓ દ્વારા તે પોતાના વિજયો મેળવતો હતો. એક રાત્રે એક ગુપ્તચરે સુકેતુને જગાડ્યો. સુકેતુએ જોયું કે એ ગુપ્તચર ખૂબ ભયવ્યાકુળ બની ગયો છે. ‘શું છે ? કેમ આમ ભયત્રસ્ત દેખાય છે ?’ સુકેતુએ પૂછ્યું. ‘દેવી ઘટના આપણી વિરુદ્ધ છે.' તેણે જવાબ આપ્યો. ‘એટલે ?’ ‘કોઈ પણ રીતે આ પ્રદેશ છોડો અને દેવસ્થાનને અંકુશમુક્ત કરો.’ ‘થયું શું તે તો કહે ? હું એમ તારા કહેવાથી ભાગીશ નહિ.' ‘તો મારી સાથે ચાલો.’ ‘છે શું ?’ ‘જોગણીઓ ખપ્પર લઈ ઘૂમે છે.’