પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૯૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અણધાર્યો ઉકેલ:૩૮૫
 


બની દેવીનું રંજન કરે એ વધારે ઇચ્છવા સરખું હતું. વૈદિક અને બૌદ્ધ એ બંને માર્ગોને અનુકૂળ પડે એવી પૂજાના વિધિમાં હીંગળાજ માતા પાસે નર્તકીઓ પણ થોડી થોડી રોકવામાં આવતી હતી. બ્રાહ્મણોની સાથે એ નર્તકીઓ પણ સાધ્વીઓના નૃત્યશિક્ષણ માટે રોકવામાં આવી. બૌદ્ધ શાન્તિ અને પ્રયોગને બદલે વેદોચ્ચાર તથા યજ્ઞયાગાદિના કાર્યક્રમ ગોઠવાયા. જોકે બૌદ્ધોને અણગમતા હિંસક યજ્ઞની તો બંધી જ થઈ. બૌદ્ધોનું વૈદિક પરિવર્તન કરવા તત્પર થયેલા બ્રાહ્મણોને બૌદ્ધ ધર્મના વિલયનો માર્ગ બતાવી સુબાહુએ તેમને ખૂબ દાનદક્ષિણા પણ આપ્યાં. સાંજ પડતાં પાલખીમાં બેસી વિશ્વઘોષ વહાણમાં પહોંચ્યા. વહાણ ભરાઈ ચૂક્યું હતું. યુવરાજ પણ બેભાનીમાં સૂતેલો જ હતો. સુકેતુ કિનારે ઊભો અને વહાણમાં જવા માટે સુબાહુ હોડીમાં બેસવાની તૈયારી કરી રહ્યો હતો. કિનારા ઉપર સૈનિકો તથા પ્રજાજનોનું એક મોટું ટોળું ઊભું હતું. બૌદ્ધ સાધુઓ પણ છૂટાછવાયા કિનારે ઊભા રહેલા હતા. ટોળામાંથી એકાએક ધવલ વસ્ત્રધારી યુવતી ધસી બહાર આવી. ‘સુબાહુ ! સુબાહુ !' તેણે હોડીમાં પગ મૂકતાં સુબાહુને બૂમ પાડી. સ્ત્રીનો સાદ પુરુષને સદાય સુંદર લાગે છે. સુબાહુ કિનારા તરફ ફર્યો. ‘કેમ ?' ‘મારે ગુરુ સાથે જવું છે.’ યુવતીએ કહ્યું. ‘ગુરુ સાથે કોણે જવું એ મેં નક્કી કર્યું છે.' સુબાહુ બોલ્યો. આ સાધ્વીને જોઈ હતી એવો ભ્રમ સુબાહુને ખૂંચ્યા કરતો હતો. ‘તો મને એમનાં છેલ્લાં દર્શન કરી લેવા દે.’ ‘એવી માગણી બહુ સ્ત્રીપુરુષની આવી છે. બધાંને હવે ન મળવા દેવાય.' ‘બધાં તરફથી હું એકલી જ આવી છું.’ સુકેતુને લાગ્યું કે ગુરુની સાન્નિધ્યમાં સદાય રહેતી આ સાધ્વી કોણ જાણે શાંયે છળકપટ ક૨શે. છળકપટ અને ક્રૂરતા માટે આખી જોગણીઓનો સમૂહ તંત્રવાદીઓએ રચી રાખ્યો હતો તેનો સુકેતુને અનુભવ હતો. ‘હવે સમય નથી.’ સુકેતુએ કહ્યું. ‘તો હું આ સ્થળે મારો ભોગ આપી મારું લોહી તમારા ઉપર છાંટીશ.' સાધ્વી બોલી. ‘લોહીનો બહુ ભય અમને નથી.’ સુકેતુ બોલ્યો. ‘સ્ત્રીનું લોહી ભયજનક છે. મૂર્ખાઈ ન કરશો. સાધ્વી બોલી અને