પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૦૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૬:ક્ષિતિજ
 


તેણે એક ચમકતું ખંજર બહાર કાઢ્યું. ‘એ ખંજર નાખી દે તો હું તને લઇ જાઉં.' સુબાહુ બોલ્યો, સાધ્વીએ ખંજર દરિયામાં ફેંકી દીધું, અને તે હોડી ઉપર ચઢી ગઇ. સુબાહુ પણ તે પછીથી જ હોડી ઉપર ચડયો. સુકેતુ પણ હોડીમાં બેસી ગયો. સાધ્વીનો તેને ભય લાગ્યો. હોડી વહાણ તરફ જવા લાગી. કિનારે ઊભેલાં માનવીઓ શાન્ત હતાં. દૂર વહાણમાંથી આછો કોલાહલ સંભળાતો હતો, પરંતુ દરિયા કિનારાની અથાગ શાન્તિમાં એ કોલાહલ હાસ્યપાત્ર લાગતો હતો. રાત્રીનું અંધારું ઘેરું બનવા લાગ્યું. સુબાહુ અને સુકેતુ સાધ્વીના મુખ તરફ જોયા કરતા હતા. તેમાં અનેક ભાવ વ્યક્ત થતા હતા. સાધ્વી વ્યાકુળ લાગતી હતી. ‘મને તમે બંને જણ ઓળખો છો.' સાધ્વીએ ધીમેથી કહ્યું. ‘યાદ આવતાં નથી, છતાં એમ તો લાગે છે કે તમને કોઈ સ્થળે જોવાં છે.' સુબાહુએ કહ્યું. ‘અડધી રાત્રી આપણે સાથે ગાળી છે ને ?' સાધ્વીએ કહ્યું. સુકેતુ જરા ચોંક્યો. સુબાહુએ કોઈ સ્ત્રી સાથે આમ રાત્રી ગાળી હોય એવું માનવા તે તૈયાર ન હતો. તેને પોતાના ચારિત્ર્ય કરતાં સુબાહુના ચારિત્ર્ય ઉપર વધારે ભરોસો હતો. ‘તમે ઉલૂપી તો નથી જ.’ સુકેતુએ હસી સુબાહુ તરફ જોઈ કહ્યું. ‘હું કાંચનજંઘા.’ ‘એમ ? અહીં ક્યાંથી ? ‘ગમે ત્યાંથી. માત્ર એક સલાહ, વિશ્વઘોષને યુદ્ધમાં સાથે ન રાખશો. યુવરાજને ગૌતમી આરે લેઈ જાઓ. જો યુવરાજને કોઈ પણ પુરુષ જાગ્રત કરી શકે તો તે વિશ્વઘોષ અગર શિવઅગસ્ત્ય. ત્રણ માસમાં શિવ- અગસ્ત્યને શોધી કાઢો. સુબાહુ અને સુકેતુ બંને ચમક્યા. સુબાહુને પોતાની દીર્ઘ નિદ્રા યાદ આવી. ક્ષિપ્રા આરે અકસ્માત મળેલા શિવઅગસ્ત્યની સ્મૃતિ પણ જાગ્રત થઈ. માત્ર કાંચનજંઘા અને વિશ્વઘોષના સંબંધની તેમને સમજણ ન પડી. ‘પણ આમ તારા ગુરુ વિરુદ્ધ જવાનું કારણ ?' સુબાહુએ પૂછ્યું. ‘કારણ પૂછીશ નહિ.’ ૧ ગોદાવરી નદી