પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૧૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૮:ક્ષિતિજ
 


‘મને ભય લાગે છે ખરો.’ ‘તને પૂરી ખબર આપતા પહેલાં હું નહિ મરું.' ‘પણ તું મરે જ નહિ તો ?’ કાંચનજંઘા ખડખડાટ હસી. સમુદ્રના ઘુઘવાટ સામે આ હાસ્ય અથડાયું. મૃત્યુ અને મૃત્યુને હસતી માનવતા બે અથડાયા શું ? કાંચનજંઘા રેતીમાંથી બહાર નીકળી કોઈ ટેકરા પાછળ અદૃશ્ય થઈ ગઈ. સુકેતુ તેને પગલે પગલે પાછળ ગયો. ગામમાંથી એકાએક શંખનાદ તેણે સાંભળ્યો. ‘સૈન્ય સજ્જ થઈ ગયું લાગે છે. હું જ મોડો પડ્યો.' કહી સુકેતુ અદૃશ્ય થઈ ગયેલાં પગલાંને છોડી ગામ તરફ દોડ્યો. દરિયો ઘૂઘવતો જ હતો. શાંતિ ? શાંતિ ? કે મોત ? મોત ? એ ઘુઘવાટ શું ઉચ્ચારતો હતો ? નાનકડું ચપળ જીવન એ ઘુઘવાટને ઝડપથી વીસરી જાય છે. પરંતુ સુકેતુના હૃદયમાં મોજાં ઊછળ્યાં કરતાં હતાં. તે પોતાના શિબિરે પહોંચી ગયો, સજ્જ થઈ ગયો, ઘોડા ઉપર બેઠો અને સૈન્યને હાકલ કરી આગળ વધ્યો. રેતીમાં કાંચનજંઘાનાં પગલાં સંભળાતા હોય એવો ભ્રમ તેને થયા જ કરતો હતો. સ્ત્રીઓ તેને ગમતી. આજ સુધી એક પણ સ્ત્રી તેના હૃદયને હલાવી રહી હોય એમ બન્યું ન હતું. ઉલૂપી માટેનો સુબાહુનો પક્ષપાત તે જાણી ગયો હતો. અને તેને હસતો પણ હતો. એને એ પણ સમજ પડતી ન હતી કે સુબાહુ અને ઉલૂપી પરસ્પર ચહાવા છતાં પરણી કેમ જતાં ન હતાં. પ્રેમને અતિ ગંભીર બનાવવામાં શ્રદ્ધા ન હતી - એને અગંભીર લાગતો એ પ્રશ્ન કાર્યપરાયણતાની પ્રવૃત્તિમાં આજ સુધી ઢંકાઈ રહ્યો હતો. આજે એને કાંચનજંઘા જ દેખાયા કરતી હતી - હવામાં, આકાશમાં, જમીન ઉપર અને આંખોમીચ્યા અંધારામાં પણ. ભૂસ્કી કે મોહતંત્ર ! ‘શી આ સ્ત્રીશક્તિ ! મનને શા ચગડોળે ચઢાવે છે !’ સુકેતુનું મન બોલી ઊઠ્યું. શારીરિક બળ માગતાં યુદ્ધ કરતાં આ માનસમોરચા ઓછા ભયંકર હોતા નથી ! વિશ્વઘોષ વધારે ડાહ્યો નહિ ? સુકેતુએ પોતાના મનને પૂછ્યું. વિશ્વઘોષે માનસવિજયના વ્યૂહ રચી રાખ્યા હતા.