પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૧૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૨:ક્ષિતિજ
 


‘હીંગળાજમાં વધારે રહ્યા હોત તો આપણું આખું સૈન્ય બૌદ્ધ સાધુઓના સંઘમાં ફેરવાઈ ગયું હોત.' ન ‘હં.' સુકેતુ હસ્યો, અને અંગરક્ષકે પોતાના મનમાં કશો નિશ્ચય કર્યો. શિબિરમાં સૂતેલા સુકેતુને નિદ્રા ન આવી. યુદ્ધની યોજના તો થઇ ગઈ હતી ! યુદ્ધનો ભય ન હતો. તેની ચિંતા ન હતી. સમુદ્ર માર્ગે સુબાહુનાં વહાણ પણ આવી પહોંચ્યાં હતાં. જળમાર્ગ અને જમીન માર્ગનાં સૈન્યો વચ્ચે નિત્ય સંબંધ રહેતો અને પ્રત્યેકની હિલચાલથી પરસ્પરને વાકેફ રાખવામાં આવતાં. ઊર્ધ્વસ્થાન તરફથી આવનારું સૈન્ય પણ રોમનોની પાછળનો માર્ગ રૂંધવા ઉત્તરે થઈને આગળ વધતું જ હતું. પારસીકોમાં પણ જોમ આવી ગયું હતું. સુકેતુની સૂચના અનુસાર રાતમાં અને રાતમાં જ લાકડાનો એક મજબૂત કોટ રણની એક બાજુએ ઊભો થતો હતો. તેના ઉપરથી સુકેતુ યંત્રોનો ઉપયોગ કરવા ધારતો હતો. પછી નિદ્રા કેમ ન આવી ? સુકેતુ બેઠો થઈ ગયો. અંગરક્ષક બદલાઈ ગયો હતો. બદલાયલા અંગરક્ષકે કહ્યું : ‘હજી પ્રભાતને થોડી વાર છે. સૈન્ય સૂતું છે તે શંખનાદે જાગશે.’ “મને આજ નિદ્રા નથી આવતી.' ‘આપની નિદ્રા જ એવી છે... અને શકસ્થાનથી નીકળ્યા પછી તો આપે નિદ્રા જ મૂકી લાગે છે.' ‘તે સૈન્યમાં કાંચનજંઘાને ફરતી જોઈ ખરી ?’ ‘ના જી.’ ‘મને વારંવાર એમ થાય છે કે એ સ્ત્રી આપણા સૈન્યનો પીછો લે છે.’ ‘હું તપાસ કરી જોઈશ... પણ આપણા સૈન્યની આસપાસ બારબાર ગાઉ સુધી સ્ત્રીઓ હોતી નથી...' ‘તે હું જાણું છું. છતાં મને લાગે છે કે એ આપણા સૈન્યમાં આવે છે અને ફરે છે.’ ‘જી.’ ‘સુકેતુ ઊભો થયો. તેણે શસ્ત્રો સજવા માંડ્યાં. અંગરક્ષક સુકેતુની વિકળતા ઓળખી ગયો. આવી ભયાનક વિકળતાને સંતોષ ન મળે તો તે પોતાના ઉદ્દેશથી ચલિત બની જાય. યુદ્ધમાં વિજય મેળવવો એ જ કર્તવ્ય. યુદ્ધનેતા જ આમ વિકળતા અનુભવતો હોય ત્યાં યુદ્ધવિજય અશક્ય જ બની જાય ! અને વિકળતા પણ શાની ? સ્વભાવજન્ય સ્ત્રીસાહચર્યની.