પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૧૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રણભૂમિ:૪૦૩
 


સાહચર્યમાં તેની તીવ્રતા બિલકુલ ઘટી જાય. પરંતુ સાહચર્યના અભાવમાં તો એ સાગરની ભરતી સરખી અપરિહાર્ય બને ! સુબાહુ અને સુકેતુના સૈનિકોને પોતાના નેતાઓ માટે પૂર્ણ માન અને અભિમાન હતું. માત્ર આ સ્ત્રીવિષયક કડક ત્યાગ તેમને ઘણો ભારે પડતો અલબત્ત પરિણીત પુરુષો તેમના સૈન્યમાં ન હતા એમ નહિ. આકાશના પશ્ચિમ ટુકડામાં ચંદ્ર નીકળી આવ્યો. રાત્રીનો પાછલો પહોર અત્યંત શીતળ હતો. પર્વતો પણ ચૈત્યપ્રેરક બની ગયા હતા. દૂર દૂર સમુદ્ર અને ધસમસતી બે સંલગ્ન મહા નદીઓ તીગ્રીસ અને યુક્રેતીસનાં સાગરસંગમનો નાદ શાન્તિમાં યોજનો સુધી સંભળાતો હતો. જગમાં શાન્તિ છે ? કે વિકળતા ? એ પ્રશ્નનો જવાબ આપતો શંખનાદ શૂન્યમાંથી સૃષ્ટિ જાગે તેમ ગાજી ઊઠ્યો. શાન્ત ઈરાની સરહદ ઉપરના પહાડો જાગ્રત થઈ ગયા. પહાડો અને મેદાનને ભરી દેતો શંખધ્વનિ લાંબા સમય સુધી સંભળાતો રહ્યો. અને ચારે પાસ તેણે જાગૃતિ ઊપજાવી. માનવી ઘોડા અને ઊંટ સહુ થનગની ઊઠ્યાં. મહાકાળ પોતાનું મુખ ઉઘાડી ચૂક્યો હતો. પહાડોમાંથી બાણાવલીઓ ખડ્ગ અને પરશુધારી બહાર નીકળ્યા. પગપાળાં સૈન્ય પહાડમાંથી મેદાનમાં ઊતરતાં વ્યૂહરચનામાં ગોઠવાઈ જઈ આગળ વધ્યાં. પાછળ ઘોડેસ્વારો ધસતા ધસતા એક બાજુએ જતા હતા. પહાડના એક નાનકડા ઘાટ પાસે સુકેતુ અશ્વારોહી બની પેંગડા ઉપર ઊભો હતો. રોમનો સામે આર્ય સૈનિકોનો મુકાબલો આજ થવાનો છે એ વિચાર તેને ઉત્સાહ આપતો હતો. તેણે તૈયાર કરેલા સૈન્યની કુશળતા અને તેમના બળની સુકેતુને ખાતરી હતી. ઘાટમાંથી પસાર થતા પોતાના સૈન્યને તે સંતોષ અને અભિમાનથી નિહાળી રહ્યો હતો. બેત્રણ અંગરક્ષકો તેની પાછળ ઘોડા ઉપર હતા. સુકેતુને સશસ્ત્ર નમન કરી સૈનિકો ઘાટ ઊતરતા મેદાનમાં આગળ વધતા હતા. ચંદ્ર ધીમે ધીમે ક્ષિતિજમાં ઢળતો ગયો. પૂર્વમાં પહાડની ટેકરીઓ પ્રભાતનો આભાસ આપવા લાગી. સ્મિતસહ નમન કરતાં પસાર થયેલા એક સૈનિકને નિહાળી સુકેતુ ચમક્યો. તેણે કહ્યું : ‘પેલા સૈનિકને અહીં બોલાવો.' ‘કયા સૈનિકને ?’ ‘પેલો... હમણાં જ ઘાટ ઊતર્યો તે... હસતો... રૂપાળો સૈનિક જોયો