પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૨૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૬:ક્ષિતિજ
 


રમણીઓ પણ હતી જ. રોમન સૈન્ય જોડે સ્ત્રીઓ-સુંદરીઓની પણ નાનીમોટી ટુકડીઓ વિજય માર્ગે પ્રયાણ કરતી હતી. પરંતુ રોમન મોરચા ઉપર જ સીધો ધસારો કરવાની દુશ્મનો હિંમત ક૨શે એમ રોમનોએ ધાર્યું ન હતું. ભરતીનાં પૂર ધસતાં હોય તેમ રણની સામી બાજુએથી સૈનિકોનાં વ્યવસ્થિત અને વધારે વિસ્તારમાં ઊછળતાં મોજાં ધસી આવતાં હતાં. પાયદળના સૈનિકો પાછળથી ઘોડેસ્વારો પણ રોમન છાવણીના બીજા છેડા તરફ ધસતા દેખાતા હતા. જોતજોતામાં બાણોનો વરસાદ વરસ્યો, અને રોમન સૈનિકોને મોરચાની બહાર નીકળવું મુશ્કેલીભર્યું થઈ ગયું. જે સૈનિકોની ટુકડી દુશ્મન હલ્લાને રોકવા આગળ ધસી ગઈ હતી તેના માણસો જોતજોતામાં વીંધાઈને ભૂમિ ઉપર ઢળી પડ્યાં. સૂસવાટાભર્યાં બાણ હવે સૂર્ય પ્રકાશમાં ચમકી રહ્યાં અને તેમની તેજસ્વી ચમક ઉપર મૃત્યુ તરતું દેખાયું. રોમન તીરંદાજોને મોરચા ઉપર લાવવામાં આવ્યા ઃ બંને બાજુએથી બાણની વૃષ્ટિ થઈ. રણતૂર અને શંખનાદ, વિજય હોકારો અને યુદ્ધદેવનાં આવાહન કરતી ગર્જનાથી વાતાવરણ ઊભરાઈ ગયું. મોરચા પાસે આર્ય સૈન્ય ધીમેધીમે લડતેલડતે આવી પહોંચ્યું, કારણ રોમન સૈનિકો પણ પાછો પગ મૂકતા પહેલાં તસુ તસુ જમીન માટે જાન આપતા હતા. આર્ય સૈન્ય મોરચા પાસે ધસી આવ્યું અને રોમન ભાલાધારીઓની અભેદ્ય દીવાલ સામે અથડાયું. બાણોનો વરસાદ બંધ થયો. અને આર્ય ભાલા - ખડુંગધારીઓ બાણાવલીઓની રચના પાછળથી અગ્નિશિખા સમા કૂદી પડ્યા. ભાલો ફેંકવામાં અદ્ભુત કુશળતા ધરાવતી રોમન સૈન્યદીવાલને ભેદવી એ સહેલું કામ ન હતું. ઘડીમાં આર્ય ભાલાધારીઓ રોમન મોરચે અથડાઈ પાછા પડતા; ઘડીમાં રોમન ભાલાધારીઓ મોરચાની બહાર ધસી આવી આર્ય વંટોળિયાને પાછો ધકેલી દેતા અગર આર્ય વંટોળિયા વીંઝાઈ રોમન સૈનિકોને મોરચાનો આશ્રય લેવાની ફરજ પાડતો હતો. વચ્ચેના ભાગમાં આર્યોએ કરેલો નાનકડો લાકડાનો કિલ્લો એક જ કાર્ય કરતો, કિલ્લા ઉપર ચઢાવેલા યંત્રમાંથી મોટામોટા પથ્થરો દૂર દૂર સુધી ફેંકી રોમન છાવણીના મધ્ય ભાગને તે છિન્નભિન્ન કરતો હતો. ઘોડેસ્વારો છાવણીના એક છેડા તરફ ધસતા હતા. રેતી, બાણ અને માનવીઓએ મળી સૂર્યને પણ ઝાંખો પાડી આખા મેદાન ઉપર ધૂળછત્ર બનાવી દીધું. યુદ્ધ પૂર જોરમાં ચાલી રહ્યું હતું. માનવીના જીવનની કિંમત માત્ર એક શસ્ત્રના ઘાવ જેટલી જ હતી. રોમન મોરચા આગળની ભીષણ કતલ રુદ્રના ભયંકર તાંડવની યાદ આપતી હતી. ક્ષણમાં રોમનો હલ્લાને પાછો