પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૨૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રણભૂમિ:૪૦૭
 


કાઢશે એમ લાગતું. બીજી ક્ષણે ઈરાનીઓ અને આર્યો મળી રોમન મોરચા ને તોડી નાખશે એમ લાગતું. રોમનોને જરા નિરાશા ઉપજાવે એવો આ પ્રસંગ તો હતો જ. રોમનોના મોરચા ઉપર હજી સુધી આમ ધસી જવાની હિંમત જગતના કોઈ સૈન્યે કરી ન હતી. દક્ષિણ બાજુએથી દરિયાનો ઘૂઘવાટ સાંભળવાને બદલે એક ભવ્ય ઘંટનાદ સંભળાયો. જગતના સર્વ સભ્ય અસભ્ય પ્રદેશને એ ઘંટનાદ અગર ઘંટનાદનો આદેશ પરિચિત હતો. સુબાહુ કે સુકેતુનું નૌકાસૈન્ય એ ઘંટનાદ વડે પોતાનું અસ્તિત્વ જ નહિ, પરંતુ પોતાનું શ્રેષ્ઠત્વ સ્વીકારાવવા સૂચન કરતું હતું. મોરચા ઉપર હલ્લો થવાથી ખીજવાઈ ગયેલા રોમન સેનાપતિએ ઘંટનાદ સાંભળી હાથ અને પગ બંને પછાડ્યા. ‘મોરચા ઉપર થોડા વધારે ભાલાધારીઓ મૂકો. અને આખું સૈન્ય ઉત્તર તરફ પાછું હઠાવો. યુદ્ધ નમ્યું છે એમ જણાય નહિ. વિજયથી ટેવાયલા સેનાપતિએ તેની જિંદગીમાં આ પહેલી જ વાર સૈન્યને પાછું હઠવા હુકમ આપ્યો. ‘રાત પડતા સુધી આપણે ટકી રહીશું.' સેનાપતિના મદદનીશે જવાબ આપ્યો. ‘દક્ષિણ તરફથી સુબાહુનું નૌકાસૈન્ય આવે છે. સમજાયું નહિ ?' ‘આપણા વહાણ સામે છે જ.’ ‘જમીન ઉ૫૨ ઊતરીને એ ચાંચિયાઓ ઘંટ વગાડે છે. આપણાં વહાણ ભાગ્યાં લાગે છે.’ નૈકાસૈનિકો જમીન ઉપર શું ક૨શે ?’ ‘સુબાહુની નૌકાસેના જમીન ઉપર પણ લડે છે. જલદી પાછા હઠાવ. નહિ તો નદી ઓળંગવાનું સાધન નહિ રહે.’ સેનાપતિના સહાયકે આજ્ઞા આપી. મોરચા ઉપરનું યુદ્ધ વધારે ઉગ્ર બન્યું; પરંતુ મોરચાની પાછળના ભાગમાં બીજી જ હિલચાલ થઈ રહી. આખી રોમન છાવણી પાછી હઠતી હતી ! ઝાંખો સૂર્ય પશ્ચિમમાં નમી પડ્યો. આર્ય ભાલાધારીઓમાં એકાએક અવનવી ગતિ આવી. ભાલાધારીઓએ માર્ગ કરવા માંડ્યો; પરંતુ રોમન સૈનિકો એ માર્ગમાં ધસે તે પહેલાં તો આર્ય ઘોડેસ્વારોનું એક વણથાક્યું સૈન્ય રોમન મોરચા ઉપર તૂટી પડ્યું. સુકેતુ સહુને મોખરે હતો. એની જ જોડમાં તુષાસ્ય હતો. એમની પાછળ સેંકડો ઘોડેસ્વારોએ ધસારો કર્યો.