પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૨૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રણભૂમિ:૪૦૯
 


‘રોમનો રાત્રે ચઢી આવશે તો ?’ ‘તો રક્ષણ થાય; આક્રમણ નહિ.' ‘આ ભૂલનો પશ્ચાત્તાપ કરવો પડશે.' ‘તુષાસ્ય ! એક વસ્તુ આપ સમજી લો. મારી ભૂલ થાય છે એમ જાણ્યા છતાં હું સુબાહુની આજ્ઞા લોપી ન શકું.' ‘સુબાહુ તો કિનારે હશે. ‘સાંભળ્યું નહિ એના ઘંટનાદે રોમનોને પાછા હઠાવ્યા તે ?' ‘પણ એ પાછો વહાણમાં જશે.' ‘મને ખાતરી છે કે એ મને મળવા અહીં જ આવે છે.’ તુષાસ્ય અને સુકેતુ બંનેને અનિચ્છાએ આગળનો ધસારો મુલતવી રાખવો પડ્યો. આર્ય સૈન્ય રાત્રે દુશ્મનો ઉપર હુમલો ન જ કરે એ સિદ્ધાન્ત આર્યાવર્તની બહાર પણ પાળવામાં આવ્યો. અલબત્ત વિજયી બનેલું સૈન્ય ખૂબ આનંદમાં આવી ગયું હતું અને તેનો ધસારો અટકાવવાનું કામ મુશ્કેલ થઈ પડ્યું હતું. જિતાયલા રોમન મોરચામાં જ રાતનો મુકામ બંને મિત્રસૈન્યે રાખ્યો, આગળનો શો કાર્યક્રમ રાખવો તે નક્કી કરવા બંને સૈન્ય આગેવાનો ભેગા મળ્યા - જોકે સુબાહુ આવવાની રાહ ખૂબ જોવાતી હતી. સુબાહુ થોડા સમયમાં આવશે એવા પણ સમાચાર તેમણે મેળવ્યા, અને કાર્યક્રમ તેમણે ઘડ્યો. તુષાસ્ય અને સુકેતુનાં આરામસ્થાન જુદાં રખાયાં હતાં. કાર્યક્રમ નક્કી કરી સુકેતુ પોતાના તંબૂમાં ગયો. તંબૂમાં પેસતાં બરોબર તેને કાંચનજંઘાનો પડછાયો પાછો દેખાયો! યુદ્ધમાં ભીષણ કતલ સમયે પણ એ સ્ત્રીની ભ્રમણા સુકેતુની આંખ સામે ઝબકી જતી હતી ? સુકેતુ તંબૂમાં જરા આરામ લેતો પડ્યો. તેને સહજ હસવું આવ્યું : એક પાસ માનવીઓની કાપણી થાય છે, બીજી પાસ માનવીઓની વૃદ્ધિમાં પરિણામ પામવા સર્જાયેલું સ્ત્રીઆકર્ષણ પણ યુદ્ધભૂમિમાં ફેલાયેલું દેખાય છે ! તુષાસ્પના તંબૂમાં સેવિકાઓ પણ હતી. રોમનોના તંબૂઓમાં પણ સ્ત્રીઓ હોય જ. આર્યાવર્તનાં યુદ્ધોમાં પણ સ્ત્રીસહવાસ તો ખરો જ. સુબાહુ વધારે સમજદાર ? કે યુદ્ધમાં સ્ત્રીઓને સ્થાન આપનાર અનુભવી જગત વધારે સમજદાર ? સુકેતુએ આંખ મીંચી છતાં તેને નિદ્રા ન આવી. સ્ત્રીનો આવા સંજોગોમાં સાથ હોય તો નિદ્રા વધારે સ્થિર ન આવે ? તેણે આંખ ઉઘાડી. શું, તેણે સ્ત્રીનું મુખ જોયું ?