પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૨૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રણભૂમિ:૪૧૩
 


ઉપર રીસ ચઢી. એ રીસનું એણે પ્રદર્શન કર્યું : ‘સ્ત્રી હોય તેથી શું ? એ ખૂની છે. મારું ખૂન કરવા આવી અને આ એક બીજી સ્ત્રીનું ખૂન કરી પણ ચૂકી. ખૂનીને હું નહિ જવા દઉ - સ્ત્રી હોય કે પુરુષ.' સુકેતુ બોલી ઊઠ્યો. ‘સ્ત્રીને ન મારવાનું આપણે પણ લીધું છે.' સુબાહુએ કહ્યું. ‘એ પણ હું આજથી ફોક કરું છું.’ તોય તારો અર્થ સ૨શે નહિ. તું જાણે છે કે હું તારી અને રોમન યુવતીની વચ્ચે ઊભો રહી શકું છું.' ‘તું સદાય વચ્ચે જ આવ્યા કરે છે. તુષાસ્ય ! રોમન સૈન્ય ઉપર રાતમાં જ હલ્લો કરો. હું સંમત છું. એમનો સંહાર...' સુકેતુએ કહ્યું. ‘પણ હું સંમત નથી ને ?’ સુબાહુએ કહ્યું. ‘રાતમાં દુશ્મનને સલામતી આપનાર જ સાચા આર્ય છે.’ ‘મારે આર્ય નથી રહેવું.’ સુકેતુએ કહ્યું. ‘કારણ ?’ ‘આર્યતામાં આપણે હારીએ છીએ. જગતવિજય સંકોચાઈ જાય છે. હું અને તું આજથી જુદા જ પડીએ.’ ‘વારુ. કાલથી તું નૌકા અને ભૂમિસૈન્ય સંભાળી લે.' ‘કાલથી શા માટે ? અત્યારથી કેમ કહેતો નથી ?’ ‘એટલા જ માટે કે તું તારા આવેશમાં પેલી કાંચનજંઘાના ઘાને ભૂલી જાય છે !' સુબાહુએ કહ્યું. સુકેતુ ચમક્યો. કાંચનજંઘા વધારે કિંમતી ? કે જગતવિજય; એકા- એક તે ઘાયલ કાંચનજંઘાના ભૂમિ ઉપર પડેલા દેહ પાસે બેસી ગયો. કાંચનજંઘાની છાતીમાંથી રુધિર વહ્યા કરતું હતું - આછું આછું. સુકેતુને પાસે બેઠેલો નિહાળી કાંચનજંઘાએ મહામહેનતે આંખ ઉઘાડી રાખી. દર્દભ મુખ ઉપર પાછું સ્મિત છવાયું અને તેણે બંને હાથ લાંબા કર્યા. સુકેતુએ એ હાથ ઝાલી લીધા. કાંચનજંઘાએ સુકેતુને પાસે ખેંચ્યો. ઘાયલ થઈ પડેલી કાંચનજંઘાનો પુરુષવેશ તો સુકેતુ ક્યારનો ભૂલી ગયો હતો. કાંચનજંઘાને પોતાના હાથ ખેંચવા દીધા. સ્મિતસહ એણે સુકેતુના હાથ પોતાની આંખો ઉપર મૂકી દીધા અને હસતે મુખે તે બેભાનીમાં ઊતરી ગઈ ! સુકેતુ તેને જોયા જ કરતો હતો. ક્યાં સુધી એ જોયા કરત તેનો ખ્યાલ ન હતો. પરંતુ તુષાસ્યના શબ્દે તેને સમાધિમાંથી જગાડ્યો.