પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૩૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૪:ક્ષિતિજ
 


‘હું વર્ષે વર્ષે મળીશ તોય અસંતોષ ?' સુકેતુએ કાંઈ જવાબ ન આપ્યો. તેની પીઠે હાથ ફેરવી સુબાહુએ પૂછ્યું : ‘સમય થાય છે. હું જાઉં ?' ‘હા.’ અત્યંત સખ્ત-મુખ રાખી સુકેતુએ કહ્યું. સુબાહુ હોડીમાં બેસી વહાણમાં દાખલ થયો. તૂતક ઉપર ઊભા રહી તેણે કિનારે નજર નાખી. મોટી માનવમેદની તેને વળામણે આવી હતી. સહુના હાથ ઊંચા હતા; ધ્વજાઓ ફરકતી હતી; રણવાદ્ય વાગી રહ્યાં હતાં, અને સૈનિકોની બૂમો સંભળાતી હતી. સુબાહુએ હાથ ઊંચા કરી સહુને નમસ્કાર કર્યા. આખા મહાન માનવસમુદાયમાં એકાએક શાન્તિ ફેલાઈ. વહાણ ખસ્યું. સુબાહુએ જોયું કે સુકેતુ ઉપરણા વડે આંખ લૂછતો હતો ! એટલું જ નહિ, સુકેતુના પગમાંથી સામર્થ્ય ઓસરી ગયું, અને બેત્રણ માણસોએ તેને ટેકો આપ્યો, છતાં તે રેતીમાં બેસી ગયો ! આંસુ લોહવાની દરકાર કર્યા વગર તેણે આંખને આંસુ સારવા દીધાં. સુબાહુએ વહાણને અટકાવવા આજ્ઞા આપી જ હોત. તેણે જીભને બોલતાં રોકી, તેના દેહને ઊડી સુકેતુ પાસે એક જ ઉડ્ડયનમાં પહોંચવાનું મન થઈ ગયું. હાથ દરિયાકિનારે પહોંચે એટલા લાંબા હોત તો ? તો તે સુકેતુને અહીં બેઠે બેઠે ભેટી પડત. અગર એને ઊંચકી લઈ વહાણમાં બેસાડી દેત. તેણે પાસે મૂકેલો શંખ લઈ તે વગાડ્યો. એનાથી રહેવાયું જ નહિ. શંખના સૂરદ્વારા તે સુકેતુને અડક્યો ! એણે જોયું કે એ સ્પર્શે સુકેતુ ઊભો થઈ ગયો. વહાણે બાજુ ફેરવી. સુકેતુ અને સુબાહુ પરસ્પરને દેખાતા બંધ થઈ ગયા. સુબાહુને પણ લાગ્યું કે તેના પગ ડગમગતા હતા ! શાથી ? કદી છૂટા ન મૂકેલા ભાઈને આમ એકલો મૂકી જતાં ક્ષિતિજ ભેદવા પ્રયત્નશીલ થયેલ વીરનું હૃદય ધડકી ઊઠ્યું. તૂતકના કઠેરાને તેણે મજબૂતીથી પકડ્યો, હાથમાંયે જોર ન હતું ! નજરે પડતાં ક્ષિતિજ કરતાં નજર બહાર રહેતું ક્ષિતિજ વળી વધારે દૂર, વધારે અસ્પૃશ્ય અને વધારે ધડકારપ્રેરક હતું ! ક્ષિતિજમાં સૂર્ય ડૂબતો હતો. ક્ષિતિજ એ માત્ર પ્રદેશકલ્પના ન રહી; ક્ષિતિજમાં અનંત અગણિત રંગઊર્મિઓ ઊછળતી દેખાઈ. સુબાહુએ આંખો મીંચી દીધી.