પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૪૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સ્વદેશમાં:૪૩૧
 


એક સંધ્યા સમયે શાન્તિપૂર્વક વિધિ અનુસાર કાંચનજંઘા અને સુકેતુનાં લગ્ન પણ થઈ ગયાં - કાંચનજંઘા અતિશય અશક્ત હોવા છતાં. સુકેતુએ એની જરા પણ ના ન પાડી. દિવસે ભ્રમણા રૂપે અને રાત્રે સ્વપ્નમાં આંખ આગળથી જરાય ન ખસતું એ સ્ત્રીસ્વરૂપ સુકેતુની અસ્વસ્થતાને તીવ્ર બનાવી રહ્યું હતું. સુકેતુ ભૂલ્યો ન હતો કે એક ક્ષણ તો તેને યુદ્ધમાં પણ એ સ્વરૂપ ગભરાવી રહ્યું હતું. રોમન મોરચા ઉપર ધસતાં સુકેતુને ઘેરી વળેલી રોમન ટુકડીને વીંધતા સુકેતુએ એક અનિવાર્ય ઘાને પાછો વાળતાં કાંચનજંઘાનું મુખ જોયું ! અને ક્ષણભર સ્તબ્ધ બની જઈ તેણે ઘાને પોતાના ઉપર આવવા દીધો - એ ભ્રમણા સરખા મુખનિરીક્ષણમાં તેને જીવનું પણ ભાન રહ્યું નહિ ! એ જ મુખધારી દેહે તેનો ઘાવ ન ઝીલ્યો હોત તો તે રોમન ભાલાથી વીંધાઈ નીચે પડ્યો હોત એ પણ તેના ધ્યાન બહાર ન હતું ! એ મુખને શોધતાં તેના રક્ષણમાં પ્રવૃત્ત અનેક અંગરક્ષકોમાંથી તેણે રુદ્રને જ પાછો કાઢ્યો ! યુદ્ધમાં જ તેનાથી પુછાઈ ગયું હતું : ‘તું કોણ છે ?’ ‘મને પૂછો છો ? ઘડીઘડી ? હું રુદ્ર !' હસીને તેણે કહ્યું. ‘મારી આસપાસ કેમ ફર્યા કરે છે ?’ ‘હું અંગરક્ષક છું.’ ‘આટલું બધું સાહસ ? તું કેટલું જોખમ ખેડે છે એ જાણે છે ?' ‘જોખમ વગ૨ જીત મળે ?’ ‘કોની જીત ?’ ‘મારી... અરે તમારી !’ રુદ્ર આટલું બોલી અદૃશ્ય થયો. રુદ્રના કંઠમાં સ્ત્રીસ્વર ખોળવાની મૂંઝવણમાં પડેલા સુકેતુએ મહામહેનતે ભાનમાં આવી આગળ ધસારો કર્યો ! એ જ રુદ્રે તેને પછીથી વિષ્ટિકાર યુવતીના ઘાથી ઉગાર્યો હતો ! અને એ રુદ્રે કાંચનજંઘા તરીકે ઓળખાતાં સુકેતુની ઘેલછા એને માટે વધી જાય એ સ્વાભાવિક હતું. સુબાહુ એ ઘેલછાને ઓળખી શક્યો અને સુકેતુને માગતી કાંચનજંઘાને ઝડપથી જીવતી રાખવા તેણે બંનેનાં લગ્ન સૂચવ્યાં; એટલું જ નહિ પણ ગોઠવ્યાં. એ લગ્ન પહેલાં જ તે સ્વદેશ પાછો ફર્યો. જોકે લગ્નની મિતિ અને વિધિ તેણે ગોઠવ્યાં હતાં, અને લગ્ન થયાના ખબર તેને સમુદ્રયાનમાં જ મળી ગયા હતા. વિશ્વઘોષને આશ્ચર્યમાંથી અશ્રદ્ધા ઊપજી અને સુબાહુએ કહ્યું : -