પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૫૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૬:ક્ષિતિજ
 


‘તારું ? કે બીજાનું ?' સુબાહુ જરા સ્થિર બન્યો. વિચિત્ર ફાંટાબાજ કલાકાર વાતમાં વાતમાં તેને ક્યાંનો ક્યાં દોરી જતો હતો ! તેણે ઘેલા દેખાતા કલાકાર સામે જોયું. ‘આહ ! મને તારી આંખો જોઈ લેવા દે ! તું આ પહાડને સજીવન બનાવે છે !' કલાકારે કહ્યું. ‘મારે તો ઘડીભર આરામ જોઈએ.' સુબાહુએ કહ્યું. ‘હાં હાં, હું ભૂલ્યો. જરા ઉપર ચઢ; તારી જ વાટ જોવાય છે. જો, નૃત્ય યાદ કરી રાખજે.' સુબાહુ ગુફાની બહાર દોડી આવ્યો. પહાડના પથ્થરમાંથી સ્વર્ગ ! અને તે સનાતન ! સુબાહુને પણ એવી જ રચના જોઈતી હતી, નહિ ? જગતવિજય, યુદ્ધ, સંસ્કારને - આક્રમણમાંથી એ ન બન્યું. એણે ક્ષિતિજમાં દૃષ્ટિ નાખી. પૂર્વમાંથી પ્રકારના ધોધ વહાવતો સૂર્ય પશ્ચિમમાં સમુદ્ર ઉપર કાંઈ કાંઈ રંગચળક ચીતરતો હતો ! રોજ નવા નવા રંગ ! જીવન એટલે સૂર્યનું નિત્ય એકાકી નીરસ ભ્રમણ ? કે એ નિત્યભ્રમણમાંથી ઊપજતા નવા નવા રંગ ? પથ્થરમાંથી સ્વર્ગ ઘડાય તો માનવીમાંથી નહિ ? ઉલૂપી હસી શું ? કોણ આવું તીણું ખડખડ મુક્તહાસ્ય આ પહાડમાં હસતું હતું ? કે સુબાહુને આજે એના ભણકારા જ વાગ્યા કરતા હતા ? સુકેતુ જેવી ભ્રમણા તેને ઘેરતી હતી શું ? ઉલૂપી અહીં હતી એ વાત ચોક્કસ ! સુબાહુ ઉપર આગળ વધ્યો, સમુદ્ર તેના પગ નીચે પથરાયેલો દેખાતો હતો. સૂર્ય તેને મસ્તકે આવવા મથતો હતો. ‘માથે સૂર્ય અને પગે સમુદ્ર !' કોણ બોલ્યું ? સુબાહુએ ચારે પાસ જોયું. તેના મનોમય ઉચ્ચાર વૈખરી જેટલા પ્રબળ બની ગયા ? કે કોઈ ચિત્ર ચીતરતાં બોલતું હતું ? ‘પધારો !' આ વખતે તો સુબાહુએ ચોખ્ખો માનવ-ઉચ્ચાર સાંભળ્યો. પાડને ઓથે એક નાનકડું મંદિર હતું. મંદિરના દ્વાર પાછળથી આંખો તગતગતી દેખાઈ.