પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૬૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧
 


કોનું ક્ષિતિજ ?
 


પ્રભાતના આછા શીળા સમીરમાં કંપ અનુભવી રહેલા ભરનિદ્રત સુબાહુનો હાથ દેહ ઉપરથી ખસેડી નાખી ઉલૂપી સફાળી બેઠી થઈ. સુબાહુ પણ જાગ્યો. સૃષ્ટિ અને સંગીત સાથે તેનો દેહ એકતાન બની આનંદકંપભર્યા અભાનમાં નિદ્રિત બન્યો હતો. જાગ્રત થતાં પણ તેનો દેહ અકથ્ય આનંદ અનુભવતો પ્રફુલ્લતા ભોગવતો હતો. ન કલ્પેલું સૌંદર્ય આજ તે પી ચૂક્યો, ચંદ્ર કિરણને, સંગીતને, સુવાસને, અરે ક્ષિતિજને જાણે તે સ્પર્શ કરી રહ્યો હોય ! એણે પૂછ્યું : ‘શું છે ?’ ‘સાંભળ; નીચે સમુદ્ર ઓવારે કોઈ બાળક રડે છે, ખરું ?’ ‘ખરે કોઈ નાનકડું બાળક દૂર દૂર આછું આછું રડી ઊઠતું હતું. ‘હા.' સુબાહુએ કહ્યું. ‘સુબાહુ, તું આવ્યો અને હું ક્ષમાની ચોકી વીસરી ગઈ. મેં ભૂલ કરી કે એને બીજા કોઈને સોંપી. દોડ, ક્ષમા ડૂબે છે; કદાચ બાલક સાથે.’ કહી ઉલૂપી અર્ધપહેર્યાં ઊડતાં વસ્ત્રો સાથે ટેકરી નીચે ઊતરી દરિયાકિનારે પહોંચી. પાછળ સુબાહુ પણ દોડ્યો. થોડા રેતીવાળા ભાગમાં એક નાનકડું બાળક ડસકતું હતું. ‘અહીં જ. આટલામાં ક્ષમા ડૂબી છે.’ સુબાહુએ સાગરમાં પડતું નાખ્યું. ઉલૂપીએ બાળકને હાથમાં લીધું. પાંચદસ ક્ષણમાં સુબાહુ પાણી ઉપર આવ્યો. તેના બંને હાથમાં ક્ષમાનો દેહ હતો ! તેના મુખ ઉપર આનંદ હતો. ક્ષમાનો દેહ રેતી ઉપર નાખી સુબાહુએ તેને ભાનમાં લાવવાના ઉપચાર શરૂ કર્યા.

ઉલૂપીએ પૂછ્યું ‘ક્ષમા જીવશે ને ?’ સુબાહુએ ઊંચે જોયું. ઉલૂપીના હાથમાં રમતું બાળક હસતું હતું ! બાળકને મૃત્યુની, જીવનની, સંસ્કૃતિની, વિજયની પરવા ન હતી !