પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૬૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કોનું ક્ષિતિજ ?:૪૫૧
 


અને દૂર દૂર ઊંચે એક ટેકરા ઉપર કાંઈ ચીતરતા કલાયોગી એકા એક ખડખડાટ હસી પડ્યા ! વિશ્વઘોષના મુખ ઉપર સહજ પ્રસન્નતા ફેલાઈ. કાંચનજંઘા સુકેતુને મારી ન શકી એટલે પરણી ગઈ. એનું બાળક તો જરૂર બૌદ્ધ બની શકશે ! સુબાહુના હ્રદયમાં કોઈ ઊર્મિ ઊછળી આવી. વનવાસ નહિ પણ જગતનિવાસ તેને ગમ્યો. પણ એ કેવો નિવાસ ? ‘શો વિચાર કરે છે ?’ વિશ્વઘોષે પૂછ્યું. ‘મારું ક્ષિતિજ સ્પષ્ટ બને છે.' ‘કેવી રીતે ?’ શિવઅગસ્ત્ય પૂછ્યું. ‘વિશ્વઘોષનું વિજ્ઞાન, શિવઅગસ્ત્યનું તપ અને કલાયોગીનું મૂર્તિ- વિધાન મને મળે તો ? હું નવજગત સર્જી !' સુબાહુ બોલ્યો. ‘બાળક વગર નવું જગત કેવું ?' ઉલૂપીએ બાળકને રમાડતાં બાળકમય બની કહ્યું. અને સુબાહુની આંખમાં ચમક પ્રગટ થઈ. એ જ પુરુષ, એ જ સ્ત્રી, એ જ બાળક ! જગતનાં સજીવન તત્ત્વો ! એમાંથી જ સ્વર્ગ રચાય ! સુબાહુનો વિષાદ ક્યારનોયે - રાતમાંથી જ અદૃશ્ય થયો હતો. સ્થિર બની તેણે ઝંખવી નાખતા સૂર્ય તરફ નિહાળ્યું. તાપ વરસી રહ્યો હતો. ‘સહેલ નથી... પણ શક્ય તો છે જ.' શિવઅગસ્ત્ય કહ્યું. છુપાવી રાખેલી કટાર સુબાહુએ બહાર કાઢી દરિયામાં ફેંકી. ‘કેમ આમ !’ વિશ્વઘોષે પૂછ્યું. ‘સર્જનમાં સંહાર ન હોય.' સુબાહુએ કહ્યું. ‘શિવ ! તારો પુત્ર તારી પરંપરા સાચવે છે.’ વિશ્વઘોષે કહ્યું. વિશ્વઘોષની આંખમાં નિષ્ફળતાનાં ઊંડાણ ખૂલ્યાં. એની પરંપરા... લોખંડમાંથી કટાર. વનસ્પતિમાંથી વિષ અને હવામાંથી હળાહળ જ્યાં સુધી બનશે ત્યાં સુધી ચાલ્યા કરવાની. પણ એમાંથી જીતશે કોણ ? સુબાહુઓ ઊપજતા કેમ બંધ થાય ? સમુદ્ર ચમક ચમક થઈ રહ્યો - ક્ષિતિજ લગી.