પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૫૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫ નાગપાશ
 

૫ નાગપાશ ચમકતી તલવારોની ઝડી વરસતી હોત તો ક્ષમાને ભય ન લાગત. ક્ષમા અત્યંત આનંદપૂર્વક શસ્ત્રવૃષ્ટિમાં ઝીલતી રમતી હોત. છતાં ત્રણ કાળા ભુજંગ જોઈ તે થરથરી ઊઠી. શેષનાગ સરખી સહસ્રફણાવાળા સાગર ઉપર તે આનંદથી ઊછળતી હતી. પરંતુ વૃક્ષમાંના ધસી આવેલા ત્રણ નાગને નિહાળતાં તે પાછી ભાન ભૂલી ગઈ, અને ચીસ પાડી ઊઠી. વનના ભયંકર એકાન્તને ભેદતી એ ચીસે અનેક પડઘા પાડ્યા બેત્રણ નાનાં પક્ષી ફડફડ ઊડ્યાં, વનના એકાંતને વધારતો હોલાનો એકલવાયો પોકાર બંધ થઈ ગયો. ત્રણે નાગસેરો વૃક્ષમાં પાછી ખેંચાઈ ગઈ. ક્ષમાએ છાતી ઉપર મૂકેલો પોતાનો હાથ બલપૂર્વક ખસેડ્યો, અને પોતાના ધડકતા હૃદયને સાંભળતી તે ઊભી રહી. ખરેખર તે સ્વપ્નમાં તો નથી એમ વિચારતી, ભય, આશ્ચર્ય અને કુતૂહલની પૂતળી સરખી, ચારે પાસ તે જોવા લાગી. ગાઢ જંગલમાં સૂર્ય દેખાતો ન હતો, છતાં અજવાળું તો હતું જ. તેની આસપાસના અદૃશ્ય થયેલા નાગ સહજ દૂરના વૃક્ષ ઉપરથી પાછા લટકતા દેખાયા. આ શું નાગવન હશે ? તેનાથી આગળ કેમ જવાશે ? અને પાછા જતાં આવા નાગ તેનો માર્ગ નહિ રોકે એમ હવે કેમ કહેવાય ? ભારતવર્ષ જીતવાની યોજના ઘડતી શક્તિ શું આ એકાંત વનમાં નાગદેશથી મૃત્યુ પામશે ? તેને સુબાહુ સાંભર્યો. એ દુશ્મન હતો તોય માનવી હતો. નાગની અજાણ ભયંકરતા તેનામાં નહોતી. એ સાથમાં હોત તો આટલો ભય ન લાગત. અકસ્માત તેણે પાછું જોયું. તેને લાગ્યું કે તેને પડખે કોઈ નવીન સત્ત્વ આવી ઊભું છે. પાછું જોતાં બરોબર તે ફરી ચમકી. એક કાળી પણ સૌન્દર્યભરી યુવતી તેની પાસે આવતી દેખાઈ. તેના પગમાં ગાદી હોય એમ તેના ચાલવાથી પાંદડું સુધ્ધાં ખખડતું ન હતું. ક્ષણભર ક્ષમા વધારે ભય પામી. કોઈ વનદેવી આવતી હતી ? કોઈ વનરાક્ષસી આવતી હતી ? યુવતીના વાળ છુટ્ટા હતા. માત્ર મસ્તકે વાળનું નિયમન કરતું રત્નજડિત પટા સરખું એક માથાબાંધણું હતું. કાને પહેરેલાં કુંડળ ખભા