પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૬૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
બંધનમા : ૪૫
 

બંધનમાં : ૪૫ પરંતુ અભિમાન દેવદાનવથીયે ડરતું નથી. અજાણ્યા જ દેશમાં ક્ષમા ભલે નષ્ટ થઈ જાય. તેના હ્રદયમાં રહેલી ભાવનાને તે કેમ નષ્ટ થવા દે? ‘એક જ હથિયારે યુદ્ધ પૂરું થયું નથી.' ક્ષમા બોલી અને તેણે બીજું હથિયાર કાઢવા મથન કર્યું. ભીનાં વસ્ત્રોમાં ગૂંચવાઈ ગયેલું શસ્ત્ર નીકળી શક્યું નહિ. “પણ શાને માટે શસ્ત્ર શોધો છો ? સ્ત્રીને શસ્ત્રની જરૂર શી ?' નાગકન્યા બોલી. ક્ષમા ચમકી અને તેણે શસ્ત્ર શોધવું ઘડીભર રહેવા દઈ પૂછ્યું : ‘કોને કહો છો ?’ ‘તમને.’ ‘મને ? મારી મજાક કરો છો ? હું સ્ત્રી છું ?' ‘સ્ત્રી હોવામાં મને મજાક કે અપમાન જરાય લાગતું નથી. તમને કેમ મજાક લાગે છે ?’ નાગકન્યાએ કહ્યું. ‘હું સ્ત્રી નથી માટે.’ ‘મેં શું કહ્યું હતું ? રોમનો જુઠ્ઠા છે. રોમન સ્ત્રીને સ્ત્રી તરીકે ઓળખાતાં પણ શરમ આવે છે !' ‘સાબિત કરો.’ ‘જરૂર જ નથી. તમારી આંખ કહે છે કે તમે સ્ત્રી છો. તમારું મુખ કહે છે, તમારી છાતી કહે છે અને તમારી કમ્મર કહે છે કે તમે સ્ત્રી છો. ‘તમે નગ્ન અસભ્ય લોકો અશિષ્ટ કલ્પનાઓમાં જ રાચો છો.’ ‘એમ ? તમારી ખાતરી નથી કે તમે સ્ત્રી છો ?’ ‘ના.’ ‘વારુ. હું તમારી ખાતરી કરાવી આપું. ઉત્તુંગ !’ નાગકન્યાએ સાદ કર્યો. અશબ્દ અજીવ વનમાં ઝીણો પડઘો પડ્યો, અને વૃક્ષ પાછળથી એક કાળો જબરજસ્ત પુરુષ અચાનક નીકળી આવ્યો. તેના પગ પાંદડાંને પણ ખખડાવતા નહોતા. તેણે આવી નાગકન્યાને નમન કર્યું. ‘ઉત્તુંગ !’ નાગકન્યાએ કહ્યું. ‘જી !’ ‘આ એક રોમન યુવતી છે.’