પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૬૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નાગલોક : ૭
 

૭ નાગલોક થોડી ક્ષણો સુધી ક્ષમાએ વનમાં અદૃશ્ય થઈ જતી નાગકન્યા તરફ જોયા કર્યું. નાગકન્યાએ એક પણ વખત પાછું નિહાળ્યું નહિ. નાગકન્યા અદૃશ્ય થયા પછી ક્ષમાએ પાણીની નહેર તરફ નજર કરી. નાની નદી સરખી એ નહેર આ વનપ્રદેશમાંથી નાસી જવાનો માર્ગ ન આપે ? વિચાર આવતાં જ તેને ખ્યાલ આવ્યો કે ઉત્તુંગ તેના ઉપર પહેરો ભરે છે. તેણે ઉત્તુંગ તરફ સહજ તીરછું જોયું. પ્રથમ દૃષ્ટિએ દૂરથી ઉત્તુંગ જેવો ભયાનક દેખાયો હતો તેવો તે અત્યારે પાસેથી લાગ્યો નહિ. તેની ઊંચાઈ કોઈપણ રોમનને શોભા આપે એવી હતી. તેનું નાક સહજ બેઠેલું હતું, એટલે તેના ગાલ ઉપરનાં હાડ અને કપાળ સહજ આગળ તરી આવતાં હતાં. તેની આંખ ઝીણી પણ ચાપલ્યથી ભરેલી હતી. ઘૂંટણ કમ્મર અને અડધી છાતી ઢાંકતું એક અંગવસ્ત્ર તેણે પહેર્યું હતું. તેના હાથમાં એક ખુલ્લું કૃપાણ હતું. ખુલ્લો હાથ અને અર્ધખુલ્લી છાતી ઉત્તુંગનાં બલ અને સ્નાયુબદ્ધતાની સાક્ષી પૂરતાં હતાં. તેનાં ઘૂંટણ નીચે ખુલ્લા રહેલા પગની પિંડીઓ પણ એ પગમાં રહેલી શક્તિને વ્યક્ત કરતી હતી. તેને બિહામણો બનાવતું કદાવરપણું પાસે આવતાં પૌરુષ બની જતું હતું. તેનું મુખ બિહામણું ન લાગ્યું, રોમન અખાડામાં હજારોની મેદની વચ્ચે યુદ્ધ- વિશારદતા દાખવી રોમનોની મોજ ખાતર કપાઈ મરતા ગ્લેડીએટર્સ ક્ષમાને યાદ આવ્યા. યુદ્ધમાં કેદ પકડાયલા સૈનિકોને ગુલામ બનાવી તેમને હથિયારબદ્ધ દ્વંદ્વયુદ્ધ માટે કેળવી, રોમન નાગરિકોના મહોત્સવ પ્રસંગે મરણાંત યુદ્ધમાં રોકવાની પ્રથા રોમમાં ચાલુ હતી. ઉત્તુંગ કેદ પકડાય તો રોમ શહેરને એક સુંદર ખેલાડીનું મૃત્યુ નિહાળવાની મોજ મળે ! પરંતુ અહીં તો ક્ષમા જ કેદ પકડાઈ હતી, અને સજામાં તેને આ ઉત્તુંગની પત્ની બનવાનું હતું ! કેવી વિચિત્ર સજા ? ‘ઉત્તુંગ !’ ક્ષમાએ સંબોધન કર્યું. ‘કેમ ?’ ઉત્તુંગે જવાબ આપ્યો. “મને ક્યાં લઈ જઈશ ?' ‘સ્ત્રીસમિતિમાં.’