પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૬૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નાગલોક : ૪૯
 

નાગલોક : ૪૯ અમે જવાબ લઈશું.' ક્ષમા બોલી. ‘અમારે ત્યાં પુરુષ અને સ્ત્રી સરખાં ગણાય છે. સ્ત્રીઓને વધારે પડતું માન આપવાની અમને ટેવ નથી.' ઉત્તુંગે કહ્યું, અને પાસેના એક છોડનાં પાંદડાં તોડી, હાથમાં જ કચરી નાખી, તેણે બળપૂર્વક ક્ષમાના મુખ આગળ ધર્યાં. પાંદડાંની વાસ ક્ષમાને બહુ જ મિઠ્ઠી લાગી, જોકે તેણે પોતાનું મુખ બાજુ ઉપર ફેરવી લીધું. ઉત્તુંગે ફરી તેને પાંદડાં સુંઘાડ્યાં. ક્ષમાના દેહમાં કોઈ અપૂર્વ મીઠાશભરી શિથિલતા ફેલાવા લાગી. તેણે વનને ફરતું નિહાળ્યું. વનફૂદડી તેને પ્રસન્ન બનાવી રહી. તેને ક્રોધનું સ્મરણ પણ રહ્યું નહિ. ઉત્તુંગ સામે જોઈ તેણે સ્મિત કર્યું. ઉત્તુંગ સ્વરૂપવાન પુરુષ લાગ્યો. ઉત્તુંગે તેને ઊંચકી લીધી તેનો ક્ષમાને અણગમો ન આવ્યો. તેના સમસ્ત દેહમાં આરામ પ્રેરતું કોઈ અભાન તેને આવરી લેતું હતું, તેને કોઈ ગમતી ઊંઘમાં હડસેલતું હતું. તેણે જાગૃત થવા પોતાના મનને હલાવી નાખ્યું. ઝાંખું ઝાંખું જાગતા મને તેણે સમજાવ્યું કે તે સુંદર પ્રદેશમાં આસાયેશથી ચાલી જાય છે - નહિ. તેને બદલે બીજું જ કોઈ ચાલે છે ! ઉત્તુંગ ! જેણે કોઈ અલૌકિક પાંદડાં સુંઘાડ્યાં તે ? શું તેની અસરમાં ક્ષમા બેભાન તો બનતી ન હતી ? એનો જવાબ તે મેળવે તે પહેલાં ક્ષમા નિદ્રાવશ થઈ ગઈ. જાગૃત થઈ તે પહેલાં તે વિચિત્ર સ્વપ્નસૃષ્ટિનો અનુભવ લેતી હતી. તેની દૃષ્ટિમાં રંગબેરંગી વાદળીઓ, પક્ષીઓ અને ઉપવનો દેખાયાં. મહાસાગર તટે મળતી કોઈ નદીના મુખમાં તે તરતી હોય એમ તેને લાગ્યું. પુરુષોનો કોઈ સમૂહ તેના પ્રેમની માગણી કરતો હોય એમ તેને સ્પષ્ટ થયું. એક પુરુષ તેને ગમ્યો પણ ખરો, અને ઇચ્છા વિરુદ્ધ તેણે તે વાત જાહેર કરી. એ પુરુષ તરતો તરતો તેની પાસે આવ્યો, અને તેનો સ્પર્શ કરવા પુરુષે હાથ લંબાવ્યો, હાથને બદલે એક નાગ લંબાતો જોઈ ક્ષમા ભય પામી, અને તેણે પુરુષનો હાથ તરછોડી નાખ્યો. પરંતુ પુરુષ તેને પાણીમાં જ ઊંચકી લીધી. ક્ષમાએ તે પુરુષના મુખ તરફ ધારી ધારીને જોયું, એ પુરુષ કોણ હતો ? સુબાહુ હતો ? સુકેતુ હતો ? સુલક્ષ હતો ? કે ઉત્તુંગ ? ઉત્તુંગે જ તેને વનમાંથી ઊંચકી બેભાન બનાવી હતી ને ? એ દુશ્મનના મુખને દૂર કરવું જોઈએ ! ‘હઠી જા! મારી પાસેથી ખસી જા !’ ક્ષમા બૂમ પાડી ઊઠી, અને તેની આંખ ઊઘડી ગઈ. ખરે જ, જાગૃત થતાં બરોબર ઉત્તુંગ જ પહેલો તેની દૃષ્ટિએ પડ્યો !