પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૮૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮ : ક્ષિતિજ
 


‘મને ખોટું લાગવાનો ભય ? ઉત્તુંગ ભીરુ છે ?’ ‘ત્યારે હું તને ખરી વાત કહું. સંઘપતિત્વ હું તારા કરતાં પણ વધારે કીમતી ગણું છું.’ ઉત્તુંગે ધાર્યું જ હતું કે ક્ષમાને આ ઉત્તર અસહ્ય થઇ પડશે. તેને પોતાને પણ આ તુલના કરવી જરાય ગમી ન હતી. ક્ષમા એકદમ બેઠ થઈ, તેણે ઉત્તુંગનો હાથ પકડ્યો, અને ઉત્તુંગને આશ્ચર્યચકિત કરતાં તે બોલી : ‘શાબાશ ! મને એવો જ પુરુષ ગમે કે જે સૌંદર્યલુબ્ધ ન હોય. ‘સૌંદર્યલુબ્ધ તો હું છું જ.' ઉત્તુંગ સિપાહી હતો, પરંતુ તે રસિક વિદ્વાન પણ હતો એની ક્ષમાને ખબર ન હતી. તેના શાહી સરખા કાળા દેહમાં, અને કદરૂપી મુખાકૃતિમાં રસને અવકાશ જ ન હોય એમ તેણે ધારી લીધું હતું. પુરુષસહજ લોલુપતા અને વનચરની સ્ત્રીભૂખ કરતાં ઊંચી વૃત્તિ ઉત્તુંગમાં ભાગ્યે જ હોઈ શકે એમ માનતી ક્ષમાને ઉત્તુંગનો ઉત્તર મુશ્કેલીભર્યો લાગ્યો. તેણે પોતાના મસ્તક ઉપર હાથ ફેરવવા દઈ ઉત્તુંગ પાસેથી સર્વાપણ ઇચ્યું હતું. પરંતુ તેના કરતાં પણ વધારે કીમતી પ્રાપ્તવ્ય સાંભળતાં જ ક્ષમાની તીવ્ર બુદ્ધિએ પલટો ખાધો, અને અત્યંત ઝડપથી તે સંજોગને અનુકૂળ થઈ ગઈ. તેણે ઉત્તુંગને કહ્યું : ‘હું પણ સૌંદર્યલુબ્ધ છું. પરંતુ આદર્શ માટે પુરુષનો હું ભોગ આપી શકું - જેમ તું સ્ત્રીનો ભોગ આપી શકે તેમ.’ ‘ત્યારે તને ખોટું નથી લાગ્યું. જરાય નહિ. ઊલટું તને સંઘપતિ તરીકે જોવાની મને તાલાવેલી થાય છે.’ ‘તારી બુદ્ધિનો પણ મને ઉપયોગ થશે. મને ક્ષમા અને પ્રમુખપદ બંને મળે તો મારા જેવો ભાગ્યશાળી બીજો કોણ ?’ ‘હું કહું તેમ કરે તો છ માસમાં તું સંઘપતિ બની જાય.’ ‘શી રીતે ?’ ‘પેલું બારણું ખુલ્લું છે. તે બંધ કર. પછી કહું.' ઉત્તુંગે ઊઠીને બારણું બંધ કર્યું. તેમાંથી ક્ષમાની સારવાર માટે સ્ત્રીઓ આવતી હતી. બારણું બંધ થતાં કોઈને પણ આવવાનો અવકાશ રહ્યો નહિ. બંને જણને લાગ્યું કે તેમનું એકાન્ત અભેદ્ય હતું. ‘હવે કહે.’ ઉત્તુંગે કહ્યું. ‘તું આ પ્રદેશમાંથી નીકળી જાય તો ?' ‘પછી હું તેની સરમુખત્યારી કેમ કરું ?'