પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૮૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
બંધન મુક્તિ : ૭૩
 


રિવાજ ? મરજી હોય કે ન હોય તોય લગ્ન કરવાનું ? એમ તે હોય ! એમ ન બને તોય અહીંથી તો ખસી ન જ શકાય. રોમન ધર્મ તજી શિવપૂજનનો અધિકાર મેળવવાનું તેણે કબૂલ કર્યું હતું. એવા ધર્મ- પલટાને કોણ પૂછે ? કામ પૂરું થયે ધર્મ પાછો બદલી શકાય. પણ અહીંથી જવાય નહિ તો ? ક્ષમાએ મૂંઝવણમાં આંખો ઉઘાડી. સેવિકાની આંખો તેના દેહને વીંધી રહી હતી. ‘તું કેમ જાગ્યા કરે છે ?’ ક્ષમાએ પૂછ્યું. ‘તમને હરકત ન પડે એ માટે.’ ‘તું જાગે છે તેમાં જ મને હરકત પડે છે.’ ‘મારા જાગવાથી તમને હરકત પડે છે ?' હા. તારી આંખો મને વાગે છે.’ ‘ઠીક, હું દૂર બેસું છું.’ ‘અહીં બેસે જ નહિ તો કેવું ?’ ‘તમે સૂઈ જાઓ. પછી હું જઈશ.’ ‘તું બેસીશ તો મને ઊંઘ નહિ આવે.’ ‘તમને મૂકીને મારાથી જવાશે નહિ.' કહી સેવિકા દૂર જવા માટે ઊભી થઈ. ક્ષમાના હૃદયમાં આગ ભભૂકી. એકાએક તે ઊભી થઈ અને પરિચારિકાનું ગળું દાબી દેવા માટે તેણે છલંગ મારી. પરંતુ ક્ષમા ધારતી હતી એટલી એ સેવિકા અજ્ઞાન ન હતી. તેને ગળે હાથ અડતાં બરોબર તેણે અત્યંત ચપળતાથી ક્ષમાની ઝડપ ચૂકવી અને તેના હાથમાંથી એક નાગ નીકળ્યો અને પોતાની ભયંકર ફણા ફેલાવી ક્ષમાની સામે ઝઝૂમી રહ્યો. ક્ષમાને ભયંકર નાગ સર્વદા ભય પમાડતો. પ્રથમ દર્શને તો ક્ષમા નાગને જોઈ છળી ગઈ. તેણે આંખ ઉપર હાથ મૂકી દીધો, અને ઝીણી ચીસ પાડી. પરંતુ ક્ષણભરના ભ્રમને વિસારી તે પાછી સ્થિર બની ગઈ. નાગપ્રદેશનાં બધાં જ સ્ત્રીપુરુષો પોતાની પાસે આવા નાગ રક્ષણ અર્થે રાખી મૂકતાં હશે શું ? તેણે આંખ ઉઘાડી. આછું સ્મિત કરતી સેવિકા સામે ઊભી હતી. નાગ અદૃશ્ય થઈ ગયો હતો. ‘નાગ ક્યાં છે ?’ ક્ષમાએ પૂછ્યું. ‘તમે તોફાન કરશો કે તરત તમારી સામે ખડો થશે.'