પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૯૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧
આશ્ચર્ય
 


સાર્વજનિક બગીચો અને સાર્વજનિક મંદિર ! છતાં તેના રક્ષકો તો હતા જ. ક્ષમાએ બહાર નીકળી વિચાર કર્યો. વનમાં તેણે પ્રવેશ કર્યો, ત્યારે આખી વનરાજિ રક્ષકોથી ભરપૂર હતી. નાગનું શસ્ત્ર એને સ્થળે સ્થળે અથડાયું હતું. રાત્રે આ બધા ચોકીપહેરા ઓછા નહિ થતા હોય ? નાગલોકની વિચિત્રતા વધારે જોવામાં આવી હોત તો વધારે સારું થાત. પરંતુ એમાં જોખમ કેટલું ? ચાર પ્રહરમાં તો તેને ઉત્તુંગ સાથે પરણી જવું પડત ! ઉત્તુંગ ! ક્ષમા સહજ તિરસ્કારપૂર્વક હસી. પરંતુ ઉત્તુંગ ખરેખર તિરસ્કારપાત્ર હતો ખરો ? સૌંદર્યલુબ્ધ ખરો, પરંતુ ભાવનાલુબ્ધ વધારે. ભાવનાને ફળીભૂત કરવા તે સૌંદર્યને હડસેલી શકે એવો ! પણ એનું સૌંદર્ય ? ક્ષમાને હબસીની કાળાશ અને હૂણની વિકૃત મુખરચના યાદ આવ્યાં. એ કદરૂપ દેહમાં સંસ્કાર ૨હેલો હતો એ ક્ષમા જોઈ શકી હતી. આટલું બળ, આવી કાળાશ, આવી બદસૂરતી : એમાં સંસ્કાર શી રીતે પ્રવેશી શક્યો ? રાત્રિની શીતળતા અને બંધનમુક્તિનો ઉલ્લાસ ક્ષમાના દેહમાં અપૂર્વ સ્ફૂર્તિ ઉપજાવી રહ્યાં. તે છુપાતી ચાલતી હતી. ઇમારતો હતી ત્યાં સુધી ઇમારતોના પડછાયા તેણે શોધ્યા. ઇમારતો જતાં વૃક્ષોએ તેને અંધકાર આપ્યો. અંધકારને ઓથે તે સપ્તર્ષિને સામે રાખી આગળ વધી. આટલો સાવચેત નાગપ્રદેશ અત્યારે કેમ અસાવધ હતો ? કોઈ માનવી - કોઈ ચોકીદાર તેને ટોકતો ન હતો. હવે વનપ્રદેશ ગાઢ બનતો જતો હતો. એ ગાઢ અંધકારમાં ક્ષમાને વધારે સલામતી લાગી. તે કેટલું ચાહી હતી તેનું તેને ભાન નહોતું. છતાં તેણે પગથી પરખી ચાલ્યા જ કર્યું. આડોઅવળો માર્ગ સપ્તર્ષિની નિશાનીથી સવળો બની જતો હતો. તેને લાગ્યું કે પેલા રોમન વૃદ્ધે આ કોઈ અજાણ્યો માર્ગ - સલામત માર્ગ તેને બતાવ્યો હતો. હવે તેના દેહને આરામ જોઈતો હતો. પરંતુ આ ભર્યા જંગલમાં આરામ શો ? કયે સ્થળે બેસવું ? કયે સ્થળે આડાં પડવું ? કયે સ્થળે આંખો મીંચવી ? કૈંક નિશાચરો આસપાસ ફરતાં હોય. અહીં વિશ્વાસ કોનો -