પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૯૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
આશ્ચર્ય : ૮૧
 


શાનો રાખી શકાય ? જાદુભયાં પ્રદેશની આ શાંતિ પણ જાદુભરી હોય તો? આવા આવા વિચાર આવ્યા છતાં ક્ષમાને બેસવાની અનિવાર્ય ઇચ્છા થઈ. અને નવાઈની વાત તો તેને એ લાગી કે જે ક્ષણે તેનાથી ઊભા ન રહેવાયું તે જ ક્ષણે તેણે એક સ્વચ્છ પથ્થરની લાંબી બેઠક જોઈ. આ સ્થળે આવી બેઠક ક્યાંથી આવી એ પ્રશ્ન તેના મનમાં ઉદ્ભવ્યો છતાં તે પ્રશ્નનું નિરાકરણ કરવા તે રોકાઈ નહિ, પગથીની પાસે જ આવેલી બેઠક ઉપર તે બેસી ગઈ. માનવીને બેઠા પછી ઊભા થવું મુશ્કેલ છે. ક્ષમાએ પગ લંબાવ્યા. ઠંડી ઠંડી શિલા તેને ગમી. પગ લંબાવ્યા પછી તેણે શરીરને લંબાવ્યું. શિલાનું આકર્ષણ અસહ્ય નીવડ્યું. જીવન-મૃત્યુના દાવપેચ રમાતા હતા છતાં નિદ્રાએ ક્ષમાને ઝડપી લીધી. ક્ષમાને સ્વપ્ન આવ્યું કે તે અત્યંત મીઠા સૂરની મધ્યમાં તરતી હતી. શું તે હજી નાગલોકમાં હતી ? મીઠાશની કોઈ તીક્ષ્ણ ક્ષણે તે જાગી ગઈ. હજી તો તે શિલા ઉપર જ સૂતી હતી. સપ્તર્ષિ આથમવાની તૈયારીમાં હતા. સૂરનો સાગર ક્યાં અદૃશ્ય બની ગયો ? નહિ, તે શિલા નીચેથી સૂર સાંભળતી હતી. શિલા નીચે સંગીત શું ? તે એકાએક બેઠી થઈ. ‘કોણ ગાતું હશે ?’ તેનાથી બોલી જવાયું. કંઠ સંભળાતો હતો ? કે માત્ર વાઘસમૂહની જ આ સંગીતહેલી હતી? તે બેઠી થઈ છતાં સંગીત તો ચાલ્યા જ કરતું લાગ્યું - આછું આછું. સૂતી હતી ત્યારે સંગીત જેટલું સ્પષ્ટ હતું તેટલું બેસીને સ્પષ્ટ સંભળાતું નહોતું. છતાં સંગીતનું અસ્તિત્વ આ ગાઢ વનમાં હતું એ તો ચોક્કસ જ. ક્યાંથી સંગીત આવતું હતું ? સંગીતની તપાસ કરવી કે ચાલ્યાં જવું ? તેણે શિલા ઉ૫૨ કાન ધર્યો. ખરે, સંગીત શિલાની અંદર ગુંજી રહ્યું હતું. નિર્જન વનમાં શિલા નીચેથી આવતું સંગીત ભયપ્રેરક હતું કે કુતૂહલપ્રેરક ? ક્ષમાએ શિલા ઉપર આંગળીના ટકોરા વગાડ્યા. શિલાએ પોતાના ઘનત્વનો પુરાવો આપ્યો. ક્ષમા ફરીથી સૂતી. ‘અંદર કોઈ બોલે છે !’ સૂતાં બરોબર ચમકીને ક્ષમા બેઠી થઈ ગઈ. તેને લાગ્યું કે શિલા નીચેથી સંગીત સાથે માનવબોલ પણ સંભળાતા હતા! ‘શું હશે ?’ ક્ષમાને ખૂબ કુતૂહલ ઊપજ્યું. તેણે શિલાને હલાવી નાખી. શિલા બહુ જ સરળતાથી હાલી ગઈ. આવો ભારે પથ્થર આટલી ઝડપથી શી રીતે હલી શક્યો ? તેણે શિલાને ખસેડી; શિલા મિત્રની માફક અનુકૂળ બની ખસી ગઈ. નીચે શું હતું ?