પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૮૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯
મદ્રાસમાં વ્યાખ્યાન

મદ્રાસમાં વ્યાખ્યાન કાયદાથી નડતા નિષેધો અને બીજી મુસીબતોને કારણે બીજાં રાજ્યોમાં કહેવા જેવી હિંદી વસ્તી નથી, પણ પોર્ટુગીઝ પ્રદેશોમાં બહુ મોટી હિંદી વસ્તી છે ને ત્યાં હિંદીઓને કાંઈ પણ પજવણી થતી નથી. દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની મુસીબતો બે પ્રકારની છે. એક તો હિંદીઓ વિરુદ્ધ બૂરી લાગણીમાંથી પેદા થતી મુસીબતો અને બીજું, કાયદાથી હિંદીઓ પર લદાયેલી ગેરલાયકાતોની મુસીબતો. પહેલી બાબતમાં એવું છે કે દક્ષિણ આફ્રિકામાં હિંદી સૌથી તિરસ્કૃત પ્રાણી છે. હિંદીમાત્રને, કશા ભેદ વગર, ત્યાં તિરસ્કારપૂર્વક “કુલી” કહેવામાં આવે છે. તેને ‘સામી’’, ‘‘રામસામી’, બીજું ગમે તે કહે; પણ હિંદી નહીં કહે. હિંદી શિક્ષકોને “કુલી શિક્ષકો”, ને હિંદી દુકાનદારોને ‘કુલી દુકાનદારો” કહેવામાં આવે છે. શ્રી. દાદા અબદુલ્લા અને શ્રી મૂસા હાજી કાસિમ મુંબઈ તરફના બે હિંદી સજ્જો સ્ટીમરોના માલિક છે. તેમની સ્ટીમરો તે પણ ‘કુલી’ સ્ટીમરો”! એ. કોળણ્ડાવેલ્લૂ પિલ્લે કંપની નામે મદ્રાસના વેપારીઓની એક બહુ પ્રતિષ્ઠિત પેઢી ત્યાં છે. તેમણે ડરબનમાં મકાનોનો મોટો માળો બંધાવ્યો છે. તે મકાનોને ‘કુલી સ્ટોર્સ” અને તેમના માલિકોને ‘કુલી માલિક” કહેવામાં આવે છે. અને, સજજો, હું આપને ખાતરી આપી શકું છું કે આ હૉલમાં બેઠેલા હરકોઈ સભાજન ને કુલી વચ્ચે જેટલો તફાવત છે તેટલો જ તે પેઢીના ભાગીદારો અને ‘‘કુલી’ વચ્ચે છે. રેલવે અને ટ્રામવેના કર્મચારીઓ બાબત, સરકાર તરફથી વિરોધ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. એ વિરોધ બાબતની વાત હું હમણાં કરું છું તે છતાં, હું ફરીથી કહું છું કે એ કર્મચારીઓ અમને પશુવત્ ગણીને વર્તે છે. અમે ફૂટપાથ ઉપર નિર્ભયતાથી ચાલી શકતા નથી. રખેને અપમાન થાય કે ફૂટપાથ પરથી ધકેલી કાઢવામાં આવે એ ભયે, સ્વચ્છ પોશાક પહેરેલા મદ્રાસી પણ હમેશ ડરબનમાં ફૂટપાથ પર ચાલવાનું ટાળે છે. અમે “એશિયાઈ ગંદકી” છીએ, “ધરાઈને ભાંડવા યોગ્ય” છીએ, “ગળા સુધી દુર્ગુણથી ભરેલા’ છીએ, “ભાતખાઉ” છીએ, ‘‘ગંધાતા કુલી”, “તેલવાળાં ચીંથરાંની ગંધ પર” જીવનારા છીએ, ‘કાળા કીડા” છીએ. કાયદાનાં પુસ્તકોમાં અમારું વર્ણન “અર્ધ-જંગલી એશિયાટિક અથવા એશિયાની અણસુધરેલી જાતિઓના માણસો” એવું કરવામાં આવ્યું છે. અમે “સસલાંની પેઠે વસ્તી વધારીએ છીએ”, ને થોડા સમય પર ડરબનમાં ભરાયેલી એક સભામાં એક ગૃહસ્થ બોલેલા કે “દિલગીર છું કે, સસલાંની પેઠે તેમના પર ગોળી ચલાવી શકાતી નથી.” ટ્રાન્સવાલમાં અમુક અમુક સ્થળો વચ્ચે સિગરામો ફરે છે, તેમાં અમારાથી બેસાય નહીં. એની બહાર બેસવું પડે એમાં જે અપમાન રહેલું છે, તે એ અપમાન કરવાનો ઇરાદો રહેલો છે એ જવા દઈએ, પણ, ભલેને અમે હિંદી રહ્યા, બળબળતી બપોરના તડકામાં કે કડકડતી ભયંકર શિયાળાની સવારમાં એમ બેસવું તે કપરી કસોટીનું કામ છે. હોટેલો અમને દાખલ કરવા ના પાડે છે. ખરેખર, એવા પણ દાખલા બન્યા છે કે જ્યારે યુરોપિયનોનાં સ્થાનોમાં પ્રતિષ્ઠિત હિંદી- ઓને નાસ્તો ખરીદવામાં પણ મુશ્કેલી પડી હતી. થોડા જ વખતની વાત છે. યુરોપિયનોની એક ટોળીએ નાતાલમાં ઠંડી નામે ગામે એક હિંદી દુકાનને આગ ચાંપીને કેટલુંક નુકસાન કર્યું હતું; એક બીજી ટોળીએ ડરબનના એક વેપારી લત્તામાં હિંદી દુકાનોમાં સળગતા ફટાકડા ફેંકયા હતા. ધિક્કારની આ લાગણી દક્ષિણ આફ્રિકાનાં જુદાં જુદાં રાજ્યોના કાયદાઓમાં ઉતારવામાં આવી છે. અને હિંદીઓના સ્વાતંત્ર્ય પર અનેક રીતના અંકશ મૂકવામાં આવ્યા છે. પહેલાં